અરવલ્લી જિલ્લાના મોડાસામાં આઇટીના દરોડા બાદ ઈડ્ઢની એન્ટ્રી થતાં ફફડાટ ફેલાઈ ગયો છે. કરોડો રુપિયાની વિદેશમાં હેરાફેરી થઇ હોવાની શંકાના આધારે સર્ચ કરવામાં આવી રહ્યું છે.મોડાસામાં એક ડોક્ટર તથા બિલ્ડરની ઓફિસ તથા મકાનમાં આઇટી અને ઇડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે.
બંને તપાસ એજન્સીઓએ મહત્વના દસ્તાવેજા કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી થઇ રહી હોવાની શંકાના આધારે મની લોન્ડરિંગ તથા ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઇ છે.
તે સિવાય આઇટીએ કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું પણ જાણવા મળે છે. બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓની છેલ્લા ૪૦ કલાકથી મેરેથોન તપાસ ચાલી રહી છે અને ડોક્ટર, બિલ્ડરની ઓફિસ તથા મકાનમાં સર્ચ યથાવત રહ્યું છે.
બંને તપાસ એજન્સીઓની આ મોટી કાર્યવાહી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને મોડાસામાં બ્લેક મનીને સગેવગે કરવા અનેક લોકો સક્રિય બન્યા છે. આ કેસમાં કરોડો રુપિયાની ગોલમાલ સામે આવી શકે છે.