રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓને આર્થિક રીતે પ્રોત્સાહિત કરવા અને તેમની કામગીરીમાં ગુણવત્તા લાવવા માટે સને ૨૦૨૫-૨૬ માટે વિશેષ ઈનામી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે જોડાયેલ શ્રી મોટી કુંકાવાવ ખેતી વિકાસ સેવા સહકારી મંડળીએ જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત ્કરીને સિદ્ધિ મેળવી છે. મંડળીની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકાર તરફથી રૂ.૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ)નું પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઇનામની સત્તા રજિસ્ટ્રાર કચેરી ગાંધીનગર તથા રજિસ્ટ્રાર કચેરી અમરેલી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવી મંડળીએ મેળવેલા આ ગૌરવને પગલે મંડળી સાથે જોડાયેલા ગામના તમામ સભાસદો અને ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આ તકે મંડળીના પ્રમુખ પરસોતમભાઈ એચ. કુનડીયા તેમજ વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ મંડળી વતી આ સફળતા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.










































