મોટી કુંકાવાવ ગામે વ્રજ વિદ્યાલય ખાતે બાળકોમાં મેનેજમેન્ટ સ્કિલ, વ્યાવસાયિક સજ્જતા અને પરસ્પર સહયોગ જેવા જીવનમૂલ્યો ખીલે તેવા હેતુથી ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૧ જેટલા વિવિધ વાનગીઓના સ્ટોલ ઊભા કરાયા હતા, જેમાં ૧૧૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ જાતે જ સ્ટોલની સજાવટ, ક્રિએટિવ બેનર્સ અને હાઇજેનિક વાનગીઓ બનાવી વેચાણ કર્યું હતું. આ મંગલ ઉત્સવનું દીપ પ્રાગટ્ય વસંતભાઈ મોવલિયા અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. બીઆરસી નિરવભાઈ સાવલિયા અને સીઆરસી વસંતભાઈ કોરાટ સહિતના અગ્રણીઓએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ ફેસ્ટિવલમાં માત્ર ૩ કલાકમાં કુલ ૨૮,૩૫૧/- રૂપિયાની આવક થઈ હતી, જેમાં ખર્ચ બાદ કરતાં ૧૬,૦૭૧/- રૂપિયાનો માતબર નફો થયો હતો. નફાની દ્રષ્ટિએ ‘રાધેશ્યામ બટેટા ભૂંગળા’ પ્રથમ ક્રમે, ‘મહાદેવ પાણીપુરી’ બીજા ક્રમે અને ‘રજવાડી ચણાચાટ’ ત્રીજા ક્રમે રહ્યા હતા. સરેરાશ ગણતરી મુજબ વિદ્યાર્થી દીઠ ૧૪૩.૫૦ રૂપિયાનો નફો થયો હતો. તમામ સહભાગીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા.






































