જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારીયા (અમરેલી) અને અંબુજા ફાઉન્ડેશન, બગસરાના સંયુક્ત ઉપક્રમે મોટા ભંડારીયા ગામમાં “વિશ્વ પર્યાવરણ દિવસ” ની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં NSS ના સ્વયંસેવકો, ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણીમાં ૫૦ વિદ્યાર્થીઓ, ૪૦ ખેડૂતો અને ૩૦ સ્ટાફ મેમ્બર્સ સહિત કુલ ૧૨૦ લોકોએ ભાગ લીધો હતો. ૫ જૂન, ૨૦૨૫ ના “વિશ્વ પર્યાવરણ દિવસ” ની થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” ને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પહેલ હેઠળ ગામમાંથી વધારાનું પ્લાસ્ટિક એકઠું કરીને તેમાંથી મિની કિચનગાર્ડન અને કમ્પોસ્ટ બિન બનાવવામાં આવ્યા.કિચનગાર્ડનમાં વિવિધ શાકભાજી વાવવામાં આવ્યા હતા, જ્યારે કમ્પોસ્ટ બિનમાં અળસિયા ઉમેરીને અળસિયાનું ખાતર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિકના પુનઃઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, અને સૌ ઉપસ્થિતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત્ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.