છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખર અને ધારાસભ્ય જે.વી. કાકડીયાના પુત્ર સામે સુરતની એક યુવતીએ સણસણતો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જા કે આ બાબતે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર આનંદ આ યુવતીને ઓળખતો પણ નથી. તેમને કોઈપણ પ્રકારનું વ્યસન પણ નથી. યુવતીના માતા-પિતા મારા પુત્રની ઓફિસે ગયેલા તે વાત પણ ખોટી છે. ધારાસભ્ય જે.વી. કાકડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી રાજકિય કારકિર્દી ખતમ કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખર પક્ષના આગેવાન હોવાથી પક્ષના કાર્યક્રમમાં મળવાનું થતું હોય છે. બાકી પ્રદિપ ભાખર શું કામ ધંધો કરે તેની કોઈપણ પ્રકારની અમોને જાણકારી ન હોવાનું ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ અંતમાં જણાવ્યું હતુ. જા કે પોતાની ઉપર થયેલા આક્ષેપ મામલે ધારાસભ્ય પુત્ર આનંદ કાકડીયાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીમાં જણાવ્યું છે કે, યુવતીએ મારી તથા મારા પરિવારની રાજકિય કારકિર્દીને નુકસાન કરવા માટે પોતાનું નિવેદન પ્રસારિત કરેલ છે. જેથી આ યુવતી અને તેના મળતીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજીમાં માંગ કરવામાં આવી છે.