મહેસાણા-બહુચરાજી  હાઇવે પર આજે સવારે ચારથી પાંચ ગામના ગ્રામજનોએ સમીત્રા ગામ નજીક રસ્તો બ્લોક કરી દીધો હતો ત્યારે ભારે હોબાળો થયો હતો. વિરોધનું મુખ્ય કારણ નજીકની પેપર મિલનું પ્રદૂષણ હતું, જે લાંબા સમયથી આસપાસના ગામોના રહેવાસીઓને પરેશાન કરી રહ્યું છે. ગ્રામજનોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં, સ્થાનિક વહીવટીતંત્ર અને પેપર મિલ સંચાલકોએ કોઈ નક્કર પગલાં લીધા નથી.આજે સવારે, ગ્રામજનો હાઇવે પર સમીત્રા ગામ પાસે એકઠા થયા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો,જેના કારણે કચ્છ અને કાઠિયાવાડ જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બ્લોકને કારણે મુસાફરો અને વાહનચાલકો બંનેને ભારે અસુવિધા થઈ હતી.પ્રદૂષણથી પહેલાથી જ ઝઝૂમી રહેલા ગ્રામજનો હવે ગુસ્સે ભરાયા છે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.સ્થાનિકોનો આરોપ છે કે પેપર મિલમાંથી નીકળતું ગંદુ પાણી અને ઝેરી રસાયણો આસપાસના ગામોના પાણી અને હવાને પ્રદૂષિત કરી રહ્યા છે.આનાથી ખેતી, પશુપાલન અને જાહેર આરોગ્ય પર અસર પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઘણી વખત ફરિયાદ કરી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.