મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં “ડિજિટલ એરેસ્ટ”ના નામે ઠગાઈના બે ગંભીર બનાવ સામે આવ્યા છે.આ બન્ને કેસમાં ઠગોએ વોટ્‌સએપ વીડિયો કોલ-વોઇસ કોલ કરીને પીડિતોને પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,રિઝર્વ બેન્ક અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવીને કુલ ૪૦ લાખ રૂપિયા પડાવી લીધા છે. બન્ને પીડિતોએ હવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહેસાણા શહેરની હરિનગર સોસાયટીમાં રહેતા ગિરીશ શાહને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસનો અધિકારી ગણાવ્યો અને જણાવ્યું કે,તમારા બેંક ખાતામાં સાયબર ફ્રોડના ૨ કરોડ રૂપિયા જમા થયા છે.તમારી સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો છે.સુપ્રીમ કોર્ટે તમારી સામે વોરંટ જાહેર કર્યું છે, તમને અમે એરેસ્ટ કરવા આવીએ છીએ.આ પછી ઠગોએ વોટ્‌સએપ પર જ બોગસ લેટરહેડ પર તેમને સુપ્રીમ કોર્ટ, ઈડી અને સીબીઆઇના નકલી પત્રો મોકલ્યા હતા. ગિરીશને “ડિજિટલ એરેસ્ટ”માં રાખવામાં આવ્યા હોવાનું કહીને ઘરની બહાર ન નીકળવા ધમકી આપી. લગાતાર ૮-૧૦ કલાક વીડિયો કોલ પર રાખીને ડરાવી-ધમકાવીને આરટીજીએસ દ્વારા ૩૦ લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.કડી તાલુકાના નિવૃત્ત વડીલ રાધુજી ઠાકોરને પણ એ જ રીતે વોટ્‌સએપ કોલ  આવ્યો હતો. જેમાં ઠગોએ કહ્યું કે,તમારા ખાતામાં ૪.૯૦ કરોડ રૂપિયા સાયબર ફ્રોડના જમા થયા છે.મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, ઈડી અને સુપ્રીમ કોર્ટે તમારી ધરપકડના આદેશ આપ્યા છે.આ પછી ઠગોએ સીબીઆઇ,ઇડી અને સુપ્રીમ કોર્ટના લેટરહેડ પર બનાવટી નોટિસ અને વોરંટ વોટ્‌સએપ પર મોકલ્યા હતા. તેમજ વૃદ્ધને “ડિજિટલ એરેસ્ટ”માં રાખીને ઘરેથી બહાર ન નીકળવા ચીમકી આપી હતી. એટલું જ નહીં આ ઠગોએ લાંબા સમય સુધી વીડિયો કોલ પર રાખીને વૃદ્ધ પાસેથી ડરાવી-ધમકાવીને ૧૦ લાખ રૂપિયા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા.આપને જણાવી દઈએ કોઈ પણ સરકારી એજન્સી ફોન કે વોટ્‌સએપ પર પૈસા માંગતી નથી અને ન તો “ડિજિટલ એરેસ્ટ” જેવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં છે.આવા કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરો. અને કોઈપણ પ્રકારનું બેંક ટ્રાન્ઝેક્શન કરતા પહેલા પરિવાર કે વિશ્વાસુ વ્યક્તિ સાથે ચકાસણી કરો.