પોલીસને ‘બગાસું ખાતા પતાસું મળ્યું’ હોય તેવો કિસ્સો હાલ મહીસાગર જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. જ્યાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્કોર્પિયો અને અન્ય કારનો અકસ્માત થતા કાર ચાલકે ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી તો, પોલીસ અકસ્માત સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં પોસ ડોડા એટલે નશીલો પદાર્થ મળી આવ્યા છે. જેથી પોલીસે હાલ તો આ સ્કોર્પિયો કારને કબ્જે કરી છે, પરંતુ આરોપી સ્કોર્પિયો કાર ચાલક ફરાર હોવાનું હાલ સામે આવ્યું છે.વિગતવાર વાત કરીએ તો, મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નમનાર ગામ પાસે ગત રાત્રીના સમયે એક બ્લેક સ્કોર્પિયો કાર અને અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અન્ય કાર ચાલકે ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેક સ્કોર્પિયો કારમાંથી કંતાનનો એક થેલો આખો ભરેલો મળી આવ્યો હતો, જેથી થેલામાં શું છે? તે તપાસ માટે પોલીસે એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. જ્યાં ઘટના સ્થળે એફ. એસ. એલ.ની તપાસમાં થેલામાં પોસ ડોડા હોવાનું બહાર આવ્યું હતું. પોસ ડોડા એટલે કે નશીલો પદાર્થ મોટા પ્રમાણમાં મળી આવતા તેનો જથ્થો જાણવા પોલીસે તપાસ હાથ ધરી ત્યારે, જાણવા મળ્યું કે સ્કોર્પિયો કારમાંથી ૨૫૮ કિલો પોસ ડોડા કે જેની કિંમત ૩૮ લાખ રૂપિયાનો નશીલો પદાર્થ મળ્યો છે.આટલું જ નહીં, અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારની વધુ તપાસ કરતા કારમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા ચાર કારતૂસ પણ મળી આવ્યા હતા, ત્યારે આ કાર માલિકની તપાસ કરતા કારમાંથી એમ.પી.ની નંબર પ્લેટ પણ મળી આવી હતી. જાકે કાર ચાલકનો કોઈ પત્તો મળી આવ્યો નથી. જેથી નશીલો પદાર્થની હેરાફેરી કરનાર આરોપી કારમાં અલગ અલગ નંબર પ્લેટ લગાવી હેરાફેરી કરતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અન્ય કારચાલકને અડફેટે લઇ અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારમાંથી મળી આવેલ પોસ ડોડાની એક કિલોની કિંમત અંદાજિત ૧૫૦૦૦ રૂપિયા ગણવામાં આવી રહી છે, જેથી અંદાજિત ૩૮ લાખ રૂપિયા જેટલાનો પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યારે આ ફરાર આરોપી અગાઉ કેટલી વાર નશીલો પદાર્થની હેરાફેરી કરી ચૂક્યો છે? અને ક્્યાંથી આ નશીલો પદાર્થ લાવતો હતો? કોને આપતો હતો? આ કારોબાર ક્યારથી ચલાવવામાં આવી રહ્યો હતો? આ તમામ તપાસ પર મોટો ખુલાસો પોલીસ તપાસમાં બહાર આવે તેવી પૂરેપૂરી શક્્યતાઓ જાવાઈ રહી છે.નોંધનીય છે કે, કોઠંબાના નમનાર ગામ પાસે ગત રાત્રીના ૯ વાગ્યાની આસપાસ સર્જાયેલા આ અકસ્માતમાં સ્કોર્પિયો કારચાલકે અન્ય કારને અડફે લઈ ૩૦૦થી ૪૦૦ મીટર દૂર સુધી ફંગોળીને આગળ લઇ જઈ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ઉતારી દેવામાં આવી હતી, ત્યારે કાર ચાલકે પોલીસને ફોન કરતા સ્કોર્પિયો કાર ચાલક આરોપી પોલીસના આવતા પહેલા જ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતગ્રસ્ત અન્ય કાર ચાલક દ્વારા ૧૧૨ નંબર પર કોલ કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કારમાંથી એક રિવોલ્વર પણ મળી આવી છે તેમજ અન્ય ટેટોની નંબર પ્લેટ પણ મળી આવેલી હતી, જેથી હાલ આ તમામ બાબતોને ધ્યાને રાખીને ઘટનાની તપાસ મહીસાગર પોલીસ સહિત આણંદ એફએસએલની ટીમ દ્વારા સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે










































