ગત રાત્રીએ મહાશિવરાત્રીનું પાવન પર્વ સૌએ ભક્તિભાવ સાથે ઉજવ્યું.ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં લાખો શિવભક્તોએ ભજન અને ભોજન અને ભાંગની પ્રસાદી સાથે સિદ્ધ સાધુઓની રવેડી અને મૃગીકુંડના સ્નાનના દર્શન કરીને ધન્યતા અનુભવી.સમગ્ર દેશમાં ઠેર ઠેર શિવાલયોમાં શિવલિંગ ને જળ,દૂધ અને બીલી પત્રો નો અભિષેક કરીને દેવાધિદેવ મહાદેવના શરણમાં શીશ ઝુકાવીને શિવરાત્રી પર્વની પાવન ઉજવણી કરી હશે ત્યારે ચાલો આ પર્વનો મહિમા શબ્દોથી સિદ્ધ કરીએ. મહાશિવરાત્રી માત્ર તહેવાર નથી; આ આત્મજાગૃતિની રાત છે. ‘શિવ’ એટલે કલ્યાણ જ્યાં અહંકાર ઓગળે, જ્યાં ક્રોધ શમે અને જ્યાં મન શાંત થાય, ત્યાં શિવ તત્વ પ્રગટે છે. શિવ અનાદિ-અનંત છે; તેમનો જન્મ નથી થયો પરંતુ શિવ તત્વનું પ્રાગટ્ય આપણાં અંતરમાં થાય, એ જ સાચો મહિમા છે. ભારતમાં આવેલા ૧૨ જ્યોર્તિલિંગો ઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ અને ઘૃષ્ણેશ્વર આપણને શિવદર્શન સાથે પ્રકાશનું સ્મરણ કરાવે છે.જ્યોર્તિલિંગનો અર્થ છેઃ અંદરના અંધકારને દૂર કરીને માનવતાનો દીવો પ્રગટાવવો. શિવરાત્રીએ આપણે સંકલ્પ કરીએકે ઉપવાસ માત્ર ભોજનનો નહીં, દુર્ગુણોનો કરીએ; જાગરણ માત્ર આંખોનું નહીં, અંતરાત્માનું કરીએ. બહાર મંદિરે દીવો પ્રગટાવીએ, સાથે અંદર કરુણા અને સહનશીલતાનો દીવો પણ પ્રગટાવીએ.
મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ મનુષ્યના આંતરિક જીવનને સ્પર્શતી એક આધ્યાત્મિક ઘટના છે. આ રાત આત્મજાગૃતિની છે; જ્યારે માણસ બહારના ઉજાસ કરતાં અંદરના પ્રકાશને મહત્વ આપે છે. ‘શિવ’ શબ્દનો અર્થ માત્ર દેવતા નહીં, પરંતુ કલ્યાણની ચેતના છે. જ્યાં અહંકાર ઓગળે, જ્યાં ક્રોધ શમન પામે અને જ્યાં મન શાંત થાય ત્યાં શિવ તત્વ પ્રગટે છે. પુરાણોમાં મહાશિવરાત્રીના અનેક અર્થ જણાવાયા છે. એક માન્યતા મુજબ આ રાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયું. આ મિલન માત્ર દાંપત્યનું પ્રતીક નથી, પરંતુ પુરુષ અને પ્રકૃતિ, શક્તિ અને શાંતિ, ત્યાગ અને સર્જન આ બધાના સંતુલનનું પ્રતીક છે. બીજી માન્યતા મુજબ સમુદ્રમંથન સમયે નીકળેલા વિષનું પાન કરીને ભગવાન શિવે સૃષ્ટિને બચાવી. એટલે શિવ ત્યાગ, સહનશીલતા અને સર્વકલ્યાણના પ્રતીક છે.આ સંદર્ભ આપણને શીખવે છે કે સમાજમાં ઝેર સમાન
વિકૃતિઓઃ સ્વાર્થ, દ્વેષ, અસહિષ્ણુતા આ બધાને કોઈ ને કોઈએ પોતાના હૃદયમાં ઝીલીને નિષ્ક્રિય કરવી પડે છે. સાચો શિવભક્ત એ જ, જે પોતાનું સુખ થોડું ઓછું કરીને સમાજની શાંતિ વધારશે. મહાશિવરાત્રીના વિધિ-વિધાનો પણ માત્ર ક્રિયાકાંડ નથી, પરંતુ ઊંડો અર્થ ધરાવે છે. શિવલિંગ પર જળ, દુધ અને બિલ્લીપત્ર ચઢાવવું એ પ્રતીક છે કે આપણું મન પણ પવિત્ર વિચારોથી સ્નાન કરાવે. ઉપવાસ એ માત્ર ખાવા-પીવાથી દૂર રહેવું એવું નથી, પરંતુ મનના સંયમનો વિષય છે. રાત્રી જાગરણ એ આંખ ખોલી રાખવાનું નહીં, પરંતુ અંતરાત્માને જગાડવાનું આમંત્રણ છે. આ તમામ વિધિઓનો સાર એટલો જ છે કે માણસ પોતાના જીવનમાં સરળતા, સહનશીલતા અને સત્યનિષ્ઠા રૂપી શિવ તત્વ ઉતારે.
આજના યુગમાં મહાશિવરાત્રીનો સંદેશ વધુ પ્રાસંગિક બન્યો છે. દોડધામ, સ્પર્ધા અને સ્વાર્થના યુગમાં માણસ સંબંધો ભૂલી રહ્યો છે. ધર્મના નામે વિખવાદ, વિચારના નામે દ્વેષ અને સફળતાના નામે અહંકાર વધતો જાય છે. મહાશિવરાત્રી આપણને યાદ અપાવે છે કે શિવ ફક્ત સંહારક નથી, પરંતુ સંહાર કરીને નવી રચનાનો માર્ગ બનાવનાર છે. આપણાં જીવનમાં વ્યાપેલા અંધકાર અને નકારાત્મક વિચારો, તૂટેલા સંબંધો અને કડવાશ વગેરેનો સંહાર કર્યા વગર નવી શરૂઆત શક્ય નથી. મંદિર જવાથી શિવ મળે છે એવું માનવું સરળ છે, પરંતુ ખરેખર શિવ તો ત્યારે મળે છે જ્યારે આપણે અન્યાય સામે મૌન તોડીશું, નબળા માટે અવાજ ઊઠાવીશું અને પોતાના અહંકાર સામે ઝૂકવાનું શીખીશું. શિવ તપસ્વી છે, એટલે સહન કરે છે; શિવ નિલકંઠ છે, એટલે ઝેર પચાવે છે; શિવ ભોલા છે, એટલે નિર્દોષતા સાથે જીવન જીવે છે. આ ત્રણેય ગુણો જો આપણા વર્તનમાં ઉતરે, તો જ મહાશિવરાત્રી ઉજવવાની સાચી સાર્થકતા થાય. ગત રાત્રીના પવિત્ર અને પવન પર્વ મહાશિવરાત્રીના શુભ પ્રસંગની આપ સૌને હાર્દિક શુભેચ્છા સાથે જય ભોલેનાથ..