અમરેલી જિલ્લામાં આગામી મહાશિવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, જિલ્લામાં શસ્ત્રો, દંડા, વિસ્ફોટક પદાર્થો લઈ જવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણો અને ચાળા પાડવા પર સખત પ્રતિબંધ છે. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના સભા ભરવા, સરઘસ કાઢવા કે લાઉડ સ્પીકર વગાડવા પર રોક લગાવવામાં આવી છે. જોકે, આ નિયમો ફરજ પરના સરકારી કર્મચારીઓ, શારીરિક અશક્ત વ્યક્તિઓ તેમજ વરઘોડા કે સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.











































