એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નવી હાઉસિંગ નીતિને મંજૂરી આપી. આ નીતિ ‘મારં ઘર, મારો અધિકાર’ ના સૂત્ર સાથે રજૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ વર્ગો માટે પરવડે તેવા આવાસની ખાતરી કરવાનો છે. નવી આવાસ યોજના માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
આ નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પોષણક્ષમ ભાવે ઘર પૂરા પાડવાનો છે. તેમણે કહ્યું કે આ નીતિ હેઠળ એ નક્કી કરવામાં આવ્યું છે કે ક્્યાં અને કેટલા ઘર બનાવવામાં આવશે. ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું, ‘અમારી યોજના મકાનોની કિંમતો ઘટાડવાની છે. ૨૦૦૭ પછી આ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાછલી સરકારે આ દિશામાં કોઈ નોંધપાત્ર કામ કર્યું ન હતું, પરંતુ અમે બાકી રહેલા કામો પૂર્ણ કરવાની વ્યવસ્થા કરી છે. એવું માનવામાં આવે છે કે સરકારના આ પગલા પછી, રાજ્યના લાખો પરિવારોનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન પૂર્ણ થશે.
નવી આવાસ નીતિ હેઠળ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે પુનર્વસન યોજનાઓને ઝડપી બનાવવામાં આવશે, અને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આવાસ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ નીતિને મહારાષ્ટ્રમાં શહેરીકરણના પડકારોનો સામનો કરવા અને ‘ઝૂંપડપટ્ટી મુક્ત મહારાષ્ટ્ર’ના વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સરકારનો પ્રયાસ છે કે આ નીતિ હેઠળ, આવાસ પ્રોજેક્ટ્‌સ પારદર્શક અને સમાવિષ્ટ રીતે અમલમાં મૂકવામાં આવશે, જેથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને સુરક્ષિત અને સસ્તું આવાસ મળી શકે.