એક વર્ષથી આખી દુનિયામાં બે ત્રણ શબ્દો ખુબ ઉછળી રહ્યા છે, પ્રસિદ્ધિ પામીને આખી દુનિયાની આમ જનતાની જીભે ચઢી ચુક્યા છે. એ બે શબ્દો છે, ટેરિફ અને ટ્રેડ ડીલ. જ્યારથી અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પ આરૂઢ થયા છે ત્યારથી એમણે આક્રમક વલણ અપનાવીને આ બે શબ્દોથી દુનિયા આખીને બાનમાં લીધી છે. અમારી સાથે ડીલ કરો નહીતર ટેરિફ ઠોકી દઈશ, નોબેલ પ્રાઈઝ માટે મારી ભલામણ કરો નહીતર ટેરિફ ઠોકી દઈશ. છેલ્લે પોતાના પાગિયા દેશો સિવાય કોઈ વિશ્વનેતાએ ભલામણ ન કરી એટલે બીજાને મળેલો નોબેલ લઇ લીધો. અમેરિકાના ઇતિહાસમાં આટલો વૈચારિક દરિદ્ર નેતા પ્રમુખપદ પર આવ્યો જાણ્યો નથી.
અમેરિકા દુનિયાની માત્ર ત્રીસ કરોડ જેટલી આબાદી ધરાવે છે, પણ અમેરિકનોની ખરીદશક્તિ ખુબ ઉંચી છે. માથાદીઠ વપરાશ વિશ્વના અન્ય દેશોની પ્રજા કરતા ખુબ મોટા છે. વીજળી, પાણી, કાર્બન ઉત્સર્જન જેવા પરિમાણો પર અમેરિકા વિશ્વમાં પહેલી હરોળનો દેશ છે. સ્વાભાવિક છે વપરાશ ઉંચો હોય તો માંગ મોટી રહેવાની જ છે. ડોલરનું વૈશ્વિક પ્રભુત્વ અને વિશ્વનું અવલંબન અમેરિકાને આર્થિક મોરચે સતત મજબૂત બનાવતા ગયા. ગરીબ દેશોને આર્થિક સહાય થકી અને ઉભરતા દેશોને યુદ્ધની ધમકીઓ દ્વારા એડી તળે રાખવાની અમેરિકાની નીતિઓ લાંબા ગાળા સુધી સફળ રહી હતી. વ્હાઈટ હાઉસના આદેશ જીલવા પાકિસ્તાન જેવા ભીખરી દેશોની એક કતાર લુખ્ખા દરબારીઓની જેમ ટ્રમ્પના દરબારમાં સતત કુરનીશો બજાવતી રહે છે. પોતાની સામંતશાહી માનસિકતાને પંપાળવા ટ્રમ્પ આ દેશોને બોટીઓ ફેંકતા રહે છે. પાકિસ્તાન જેવા દેશોના નેતાઓ પોતાનું અને દેશનું આત્મસન્માન અમેરિકાની યાત્રા વખતે પોતાના દેશમાં મૂકીને જાય છે.
લેખની શરૂઆતના બે શબ્દોના ઉલ્લેખમાં હવે ત્રીજો શબ્દ ઉમેરાયો છે, ‘મધર ઓફ ઓલ ડીલ’. આ ડીલ યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે થઇ છે. આશરે અઢાર વર્ષથી આ દિશામાં કામ ચાલી રહ્યું હતું. અમેરિકાની ટેરિફ અંધાધૂંધીએ તેને ઝડપી અમલમાં લાવી દીધી. રશિયન ઓઈલ બાબતે જયારે ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા ત્યારે ટ્રમ્પે યુરોપને પણ અપીલ કરી હતી કે તમે પણ ભારત પર ટેરિફ લગાવો, યુરોપ દ્વારા ટ્રમ્પની આ માંગણીનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી બધાને લાગી રહ્યું હતું કે હવે આ ડીલ થઇ જવી જોઈએ. યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ગત નાણાકીય વર્ષમાં બંને વચ્ચે ૧૩૫ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ કરારથી અનેક ક્ષેત્રોમાં વેપાર સંબંધોને વેગ મળશે. ભારત અને યુરોપ સંયુક્ત રીતે વિશ્વની ચોથા ભાગની આબાદી અને ચોથા ભાગની અર્થ વ્યવસ્થા ધરાવે છે. આ સોદાથી બંને છેડે શું શું આર્થિક લાભ થશે એ આવનારો સમય બતાવશે, પણ આર્થિક તજજ્ઞો કહી રહ્યા છે કે ભારત જેવી અર્થ વ્યવસ્થાને આ ડીલ બુસ્ટર ડોઝ જેવી સાબિત થશે. યુરોપ માટે ભારતની એકસો ચાલીસ કરોડ ગ્રાહકોની બજારના દરવાજા ખુલ્યા છે. યુરોપિયન યુનિયનનું બજાર ભારતના કુલ નિકાસના ૧૭% જેટલો હિસ્સો ધરાવે છે, આમાં ખુબ મોટો વધારો થશે. યુરોપ જે ભારતમાં નિકાસ કરે છે એ એમના હિસ્સાના ૯% છે, જેમાં પણ મોટો વધારો થશે. બંને પક્ષે મળીને લગભગ ૨૦૦ કરોડની આબાદી વચ્ચે આ ડીલ છે. યુરોપ પોતાનું ચીન પરનું અવલંબન ખતમ કરવા માંગતું હતું, રશિયા પર ભરોસો મૂકી શકાય એમ નથી તો યુરોપ માટે ભારતથી વધુ સારો વિકલ્પ કોઈ ન હોઈ શકે. યુરોપ ભારતને દોઢસો કરોડના બજારથી ઉપર એક વિશ્વાસુ સાથી તરીકે જોઈ રહ્યું છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું હતું કે ભારત સફળ થશે તો વિશ્વ આખું વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનશે.
INDIA HAS REASON AND EUROPE IS TRULY GLAD ABOUT IT. BECAUSE WHEN INDIA SUCCEEDS, THE WORLD IS MORE STABLE, MORE PROSPOROUS AND MORE SECURE AND WE ALL BENEFIT. – URSULA VON DER LEYEN.
આ વ્યાપારિક સમજૂતીના પરિણામો લાંબાગાળે જોવા મળશે, પરંતુ અમેરિકા જેવા દેશને એક જવાબ અત્યારે જ મળી ગયો હોવો જોઈએ કે દુનિયા એમની મરજી પ્રમાણે નથી ચાલવાની. અત્યારના અત્યાધુનિક યુગમાં સમયની ગતિ ખુબ ઝડપી બની ગઈ છે. સૈકાઓની પ્રગતિ દાયકાઓમાં અને દાયકાની પ્રગતિ વર્ષોમાં થઇ જઈ રહી છે. ભારતનું દોઢ દાયકાનું સ્થિર અને સંતુલિત શાસન વિશ્વને આકર્ષી રહ્યું છે. ઘણી મુશ્કેલ સ્થિતિઓ છતાં ભારતમાં સ્થિરતા બની રહી છે અને વિકાસદર સૌથી ઝડપી રહ્યો છે. વિશ્વે એ પણ જોયું છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે આંતરિક દબાણ હેઠળ ભારત પોતાની નીતિઓમાં ફેરફાર નથી કરી રહ્યું. ભારતની આજની પોતાની રાજકીય અને આર્થિક મજબૂત સ્થિતિનો ભરપુર લાભ મળી રહ્યો છે.
ક્વિક નોટ – “ચીન પૂરી રીતે તૈયાર છે, અંત સુધી લડવા માટે. કેમકે દુનિયા એટલી મોટી છે અને અમેરિકા દુનિયાના બજારનો સમગ્ર હિસ્સો નથી. જો અમેરિકા પોતાને ચીનના બજારમાંથી સંપૂર્ણ રીતે બહાર કરવા માંગતું હોય, તો આવો જોઈ લો. ચીન અમેરિકાનું બજાર ગુમાવી દેશે. જેમ મેં કહ્યું કે એ કુલ નિકાસના ૧૫% છે. અમને પરવાહ નથી. ચીન પાંચ હાજર વર્ષથી અહિયાં છે, આ અધિકતર સમયમાં અમેરિકાનું અસ્તિત્વ પણ નહોતું અને અમે જીવિત રહ્યા છીએ, અગર અમેરિકા ચીનને ધમકાવવા માંગે છે તો અમે અમેરિકા વિના પણ સ્થિતિ સાંભળી લઈશું અને આવનારા પાંચ હજાર વર્ષો સુધી જીવિત રહેવાની અમારી ઉમ્મીદ પર કાયમ રહીશું.” – વિક્ટર ગાઉ – પ્રેસિડેન્ટ – સેન્ટર ફોર ચાઈના એન્ડ ગ્લોબલાઇઝેશન
production@infiniumpharmachem.com











































