મહારાષ્ટ્ર ના સિંધુદુર્ગ જિલ્લાના સાવંતવાડીમાં એક મદરેસામાં બે અનાથ વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો હોવાના એક વીડિયોએ હવે રાજકીય વળાંક લીધો છે. વાયરલ વીડિયો બાદ, ભાજપના નેતા અને રાજ્ય સરકારના મંત્રી નિતેશ રાણેએ મદરેસા શિક્ષણ પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ઘણી મદરેસામાં આધુનિક શિક્ષણનો અભાવ છે અને તે કટ્ટરપંથીઓ ઉત્પન્ન કરે છે. તેમણે મદરેસાને આતંકવાદના કેન્દ્રો ગણાવ્યા, અને દાવો કર્યો કે ત્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. રાણેના નિવેદનનો વિરોધ પક્ષ તરફથી તીવ્ર જવાબ મળ્યો.
વાઈરલ સીસીટીવી ફૂટેજમાં એક મૌલવી વિદ્યાર્થીઓને લાકડીથી મારતા જાઈ શકાય છે. આ ઘટના આશરે બે મહિના જૂની હોવાનું કહેવાય છે, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને વીડિયોની સત્યતા ચકાસ્યા બાદ કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓએ દોષિત શિક્ષક સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના બાદ મદરેસા શિક્ષણ પ્રણાલી અંગે રાજકારણ તેજ બન્યું છે, અને નિતેશ રાણેના નિવેદને આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે.
મદરેસામાં બાળકોને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ, નિતેશ રાણેએ કહ્યું હતું કે, “તમે મૌલવી દ્વારા બાળકોને માર મારવાનો વીડિયો જાયો હશે. આ મારા ગૃહ જિલ્લા સાવંતવાડીનો છે, અને હું જિલ્લાનો પ્રભારી મંત્રી પણ છું. તમને ટૂંક સમયમાં ખબર પડશે કે તેની સામે શું કડક કાર્યવાહી કરવામાં આવશે. હું તેને એવો પાઠ ભણાવીશ કે આગલી વખતે બાળકો સાથે આવું કંઈક કરતા પહેલા તેના હાથ ધ્રૂજશે. તમને મદરેસાની શી જરૂર છે? આ મદરેસાઓ આતંકવાદના કેન્દ્રો છે; આતંકવાદીઓને ત્યાં તાલીમ આપવામાં આવે છે.”
સિંધુદુર્ગ જિલ્લાના કંકાવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાણેએ કહ્યું, “આપણે આવા મદરેસાને શા માટે પ્રોત્સાહન આપવું જાઈએ? જા તમે કુરાન શીખવવા માંગતા હો, તો તમારી પાસે તેના માટે મસ્જીદો છે. હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ અને તેમને બધા મદરેસાને બંધ કરવા કહીશ કારણ કે તે આતંકવાદીઓ માટે ઉછેર ભૂમિ છે.” રાણેએ એમ પણ કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે શું વિશ્વમાં કોઈ ઇસ્લામિક દેશ છે જે હિન્દુઓને એવી શાળાઓ સ્થાપિત કરવાની મંજૂરી આપે છે જ્યાં ફક્ત ભગવદ ગીતા શીખવવામાં આવે છે. રાણેના આ નિવેદન પર મુસ્લિમ નેતાઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી.
રાણેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના નેતા અબુ અસીમ આઝમીએ કહ્યું કે ભારતમાં કોઈપણ મદરેસામાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી નથી. આઝમીએ કહ્યું, “જા તેઓ ઈચ્છે તો, તેઓ મદરેસામાં સીસીટીવી કેમેરા લગાવી શકે છે. તેમને ત્યાં રહેવા માટે રૂમ અને ભોજન પણ પૂરું પાડવામાં આવશે, અને તેઓ તપાસ કરી શકે છે.” દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અસલમ શેખે માંગ કરી હતી કે નિતેશ રાણે કાં તો મદરેસાઓમાંથી નીકળેલા આતંકવાદીઓના નામ જણાવે અથવા તેમના નિવેદન માટે માફી માંગે. જાકે, અસલમ શેખે એમ પણ કહ્યું કે કોઈ નિતેશ રાણેને ગંભીરતાથી લેતું નથી, કારણ કે તેઓ આવા વાહિયાત નિવેદનો આપે છે.










































