મણિપુરના ઉખરુલ જિલ્લામાં સશસ્ત્ર આતંકવાદીઓએ અનેક ઘરોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો. તંગખુલ નાગા સમુદાયના સભ્ય પર હુમલાને લઈને વધતા તણાવ વચ્ચે આ ઘટના બની. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે વધુ હિંસા અને અફવાઓ અટકાવવા માટે જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, લિટન સરીખોંગ વિસ્તારમાં ગોળીબાર અને આગચંપી બે તાંગખુલ નાગા સંગઠનો દ્વારા ઉખરુલ અને કામજાંગ જિલ્લામાં કુકી સમુદાયની હિલચાલ પર પ્રતિબંધ લાદ્યાના એક દિવસ પછી થઈ હતી. વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કર્ફ્‌યુ લાદ્યો છે.

“લિટન સરીખોંગમાં સશસત્ર માણસોએ કેટલાક ખાલી મકાનોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો. પરિસ્થિતિ તંગ છે, અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે મણિપુર સરકારે સાવચેતીના પગલા તરીકે ઉખરુલ જિલ્લાના મહેસૂલ વિસ્તારમાં બ્રોડબેન્ડ,વીપીએન અને વી એસએટી ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. ઘરથી ભાગી રહેલા સ્થાનિકોએ વિસ્તારમાં ગોળીબાર રોકવામાં કથિત નિષ્ફળતા બદલ સુરક્ષા દળો પર ગુસ્સો વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર ફરતી એક વિડિઓ કલીપમાં પર્વતીય પ્રદેશોમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે.

છેલ્લા બે દિવસથી, લિટન શ્રીખોંગ અને આસપાસના કુકી-પ્રભુત્વ ધરાવતા ગામોમાંથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત સેંકડો કુકી અને તાંગખુલ નાગા ગ્રામજનો સલામત સ્થળોએ ભાગી રહ્યા છે. ઘણા ગ્રામજનોએ કુકી-પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લાના મોટબુંગ અને સૈકુલના કેટલાક ભાગોમાં આશરો લીધો છે.

મણિપુરના મંત્રી ગોવિંદદાસ કોન્થોઉજમે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૧ ઘરો બળી ગયા છે અને પરિસ્થિતિ હજુ પણ તંગ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.