સામાન્ય રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બાજરી, મગફળી, જુવાર, મકાઈ, મરચી, ડાંગર, શેરડી વગેરે પાકોમાં જયાં રેતાળ કે ગોરાડું જમીન હોય ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ધૈણનાં પુખ્ત કીટક બદામી રંગના હોય છે જેને ઢાલિયા કીટક તરીકે ૫ણ ઓળખવામાં આવે છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાંવાળી હોય છે. સફેદ ધૈણ (ઈયળ) શરૂઆતમાં મગફળીના બારીક મૂળ ખાય છે અને ત્યારબાદ મુખ્યતઃ મૂળને ખાઈને નુકસાન કરે છે. ઈયળ મૂળને ખાઈ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. એક છોડની ઈયળ ચાસમાં આગળ વધીને બીજા છોડના મૂળ ખાવાનું શરૂ કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે અને પાકનો આડેધડ નાશ થવા લાગે છે.
• સંકલિત વ્યવસ્થાપનઃ
► આ જીવાતની કેટલીક ખાસિયતોને લીધે તેનું નિયંત્રણ કરવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે. ૫રિણામે તેના જીવનની દરેક અવસ્થાએ તેની વસ્તી ઘટાડી શકાય તેવા સામૂહિક ઉપાયોનું સંકલિત આયોજન કરી નિયંત્રણના ઉપાયો લેવા જોઈએ.
► આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવો.
► ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત (ઢાલીયાં) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે.
► ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો જોઈએ.
► આ ઉ૫રાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન પર સારી રીતે છંટાય તે પ્રમાણે કાર્બારીલ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
► સામૂહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે ૫ણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૫ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૪૦% + ફીપ્રોનીલ ૪૦% + કલોથીયાનીડીન ૨.૫૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત વાવતા ૫હેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સૂકવી ૫છી બીજનો વાવેતર તરીકે ઉ૫યોગ કરવો.
► ફોરેટ ૧૦ જી દાણાદાર દવા હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવી.
► એરંડીનો ખોળ હેકટરે ૫૦૦ કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ સામે રક્ષણ મળે છે.
► સફેદ ધૈણના નિયંત્રણ માટે અગાઉથી કોઈ૫ણ જંતુનાશક દવાના ઉપાયો ન લીધા હોય અને તેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર અથવા ઇમીડાકલોપ્રીડ ૪૦% + ફીપ્રોનીલ ૪૦% + કલોથીયાનીડીન ૨૫૦ ગ્રામ પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી.
► જો પિયતની સગવડ ન હોય તો પંપની નોઝલ કાઢી કલોરપાયરીફોસ ર૦ ઈસી (૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ.) દવાનું પ્રવાહી મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે અથવા કલોરપાયરીફોસ ૪ લિટર દવા ૫ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પૂંખવી ત્યાર બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.