સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને મગફળીની ટેકાના ભાવે (MSP) ખરીદીની મુદ્દતમાં વધારો કરવા રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૪૫૨ પ્રતિ મણના ભાવે ગત તા. ૦૯-૧૧-૨૦૨૫ થી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેની કટ ઓફ ડેટ ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ છે. પરંતુ અમરેલી સહિતના જિલ્લાઓમાં વિવિધ કારણોસર આ સમયમર્યાદામાં તમામ ખેડૂતોનો વારો આવી શકે તેમ નથી. ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ૨ નવેમ્બર સુધી અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે મગફળી તૈયાર ન હતી. ત્યારબાદ ખેડૂતો રવિ પાકની વાવણીમાં વ્યસ્ત હતા. આ ઉપરાંત, કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા, ગોડાઉન ફાળવણી અને વેરહાઉસ મેપિંગમાં વિલંબ તેમજ ટ્રકોમાંથી જથ્થો અનલોડ ન થવા જેવા ટેકનિકલ કારણો પણ જવાબદાર છે. આ સંજોગોને ધ્યાનમાં લઈ ૧૭ જાન્યુઆરી સુધીમાં ૧૦૦% ખરીદી શક્ય ન હોવાથી, રજીસ્ટ્રેશન થયેલ દરેક ખેડૂતનો સમાવેશ કરવા માટે મુદ્દતમાં વધારો કરવા ધારાસભ્યએ ખાસ ભલામણ કરી છે.







































