કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાના અહેવાલ વચ્ચે, ખેતીવાડી વિભાગે ખેડૂતોને શક્ય તેટલું ઉત્પાદન બચાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું છે. હાલની પરિસ્થિતિમાં મગફળીના ઉભા પાકને ફૂગથી સડો થવાનો અને પાકવાની અવસ્થાએ હોય તો જમીનમાં ઉગી જવાની સંભાવના વધુ છે. બીજી તરફ, જે ખેતરોમાં મગફળી ખેંચી લેવામાં આવી છે અને પાથરા પડયા છે, ત્યાં મગફળી સડી જવાની, બટાઈ જવાની અને ઉગી જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, વરસાદ પછી જમીનમાં ભેજ વધુ હોવાથી પાકવાની અવસ્થાએ આવેલી મગફળીની તાત્કાલિક લણણી કરવી જોઈએ. પલળી ગયેલા પાથરામાં સડો ન થાય તે માટે એક-બે વાર પાથરાને ઉલટાવવાની/ફેરવવાની સલાહ આપવામાં આવી છે. ભીની મગફળીને ખુલ્લા તડકામાં અથવા પંખા નીચે સુકવવી જોઈએ જેથી મગફળી બગડે નહીં અને સારા ભાવ મળી રહે. વધુ સમય માટે પાક ઉભો રાખવો હોય તો ફૂગનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ પણ વિભાગે કરી છે.








































