ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને ત્રણ સપ્તાહ વીતી ગયા હોવા છતાં,દોઢ ડઝન જેટલા મંત્રીઓ હાલમાં નવરાધૂપ  છે. કાયમી મદદનીશ, અંગત સચિવ સહિતના જરૂરી ઓફિસ સ્ટાફના અભાવે આ મંત્રીઓ પોતાના ફાળવવામાં આવેલા વિભાગોની સક્રિય કામગીરીથી અળગા રહ્યા છે. સ્થિરતિ તો એવી છે કે, આ અધિકાંશ નવા મંત્રીઓને હજી સુધી મંત્રી તરીકેની કામગીરીનું ટ્યુશન પણ મળ્યું નથી.આ દરમિયાન, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી ૨૭મી નવેમ્બરથી વલસાડના ધરમપુર ખાતે ત્રણ દિવસિય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મંત્રીપરિષદ સહિત ૨૧૧ આઇએએસ અધિકારીઓ સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૨૭ થી ૨૯મી નવેમ્બર દરમિયાન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે યોજનારી આ ગુજરાત સરકારની ૧૨મી ચિંતન શિબિરમાં તમામ મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવો, મુખ્ય સચિવ, જિલ્લા કલેક્ટરો અને વિકાસ અધિકારીઓ ભાગ લેશે. તમામને વિવિધ સત્રો માટે વિષયાનુસાર લેશન સાથે તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી નવેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની મુલાકાત લેશે. આ જ દિવસે, તેઓ સુરતમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ સુરત-બિલિમોરા સેક્શનમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ પણ કરવાના છે. ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ નવા મંત્રીઓને ઓરિએન્ટેશન સાથે વહીવટી પ્રક્રિયાનું ટ્યુશન આપીને ચિંતન શિબિરમાં જાડાવા માટે તૈયાર કરાશે.વર્ષ ૨૦૨૪ના આરંભે ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૭૧ નગર પાલિકા, ૩૩ જિલ્લા અને ૨૯૨થી વધુ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ઉપરાંત, ફેબ્રુઆરીમાં વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ પણ રજૂ થનાર છે. આથી, આ ચિંતન શિબિરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. નવોદિત મંત્રીઓ સહિત સિનિયર-જૂનિયર આઇએએસ ઓફિસરોને નવા વિચારો, વિકાસલક્ષી આયોજનો અને કાર્યક્રમો સાથે ચિંતન શિબિરમાં હાજર રહેવા માટે અત્યારથી જ લેસન આપી દેવામાં આવ્યું છે. આ શિબિર રાજ્યના આગામી વહીવટ અને વિકાસની દિશા નક્કી કરવામાં ચાવીરૂપ સાબિત થઈ શકે છે.