જંકફૂડ શું હોય છે?
– જંક એટલે જેનો કોઈ ઉપયોગ રહ્યો ન હોય એવી આકર્ષક વસ્તુ. દાખલા તરીકે ટીવી ફર્નિચર વગેરે ન જોઈતા હોય અને કબાડીખાનામાં મૂકી દઈએ તો એને જંક કહેવાય, છાપાની પસ્તીને જંક કહેવાય એમ નિરુપયોગી પરંતુ સ્વાદિષ્ટ અને આકર્ષક લાગે એ રીતે ગોઠવેલા ખાદ્ય પદાર્થો જંકફૂડ કહેવાય. એનું પોષણ મૂલ્ય શૂન્ય અથવા ઋણાત્મક માઇનસ હોય.
– રાતની વધેલી રોટલીનો ચેવડો, વાસી વઘારેલા ભાત, વાસી કોઈપણ વાનગી (જે ખાસ ભાવતી હોય), વધેલું અન્ન એકઠું કરીને બનાવાતા થેપલા, મુઠીયા કે ભજીયા, જાતજાતની સેન્ડવીચ, બ્રેડ, પકોડા, પાસ્તા, પીઝા, ભેળની વધેલી સામગ્રી વગેરેને જંકફુડ કહેવાય છે. એમાં મૂળ વસ્તુની ગુણવત્તા જરાપણ હોતી નથી. પરંતુ મસાલા, સોસ વગેરે નાખીને ચટાકેદાર બનાવાય છે તથા રંગબેરંગી પેકિંગ અને સજાવટથી એને આકર્ષક બનાવવા છે. જંકફૂડ એટલે રૂપાળો સ્વાદિષ્ટ કચરો.
– ૩૨ શાક અને ૩૩ પકવાન કયા કયા?
– બટેટા, સુરણ, શક્કરિયા, મૂળા, કાકડી, ચીભડુ, દુધી, કોળું, પરવળ, કારેલા, કંકોડા, સરગવો, ભીંડો, ગવાર, ચોરાફળી, રીંગણ, વાલોળ, ટામેટા, ફ્લાવર, કોબી, ટીંડોરા, અળવી, વટાણા, તુવેર, પાલક, મેથી, ગાજર, કોળું, તુરીયા, ગલકા, તાંદળજો, ડોડી વગેરે શાક.
– મોહનથાળ, મગજ, મેસૂબ, મગદળ, સુખડી, અડદિયો, શીરો, કંસાર, લાડુ, ખીર, દૂધપાક, બાસુંદી, રબડી, જલેબી, મોહનભોગ, ગુલાબજાંબુ, રસગુલ્લા, રાજભોગ, શ્રીખંડ, રસમલાઈ, માલપુવા, પુરણપોળી, બુંદી ઘેવર, સંદેશ, મીઠોભાત, બિરંજ, ફાડાલાપસી, ગુલાબપાક, ઘારી, બરફી વગેરે પકવાન.
– કુશળ ગૃહિણી અને રસિક ખવૈયા આ યાદીને ઘણી મોટી બનાવી શકે એમ છે. પ્રાંતે પ્રાંતે વિશિષ્ટ પદાર્થો બનતા હોય છે. તેથી દરેકની યાદી જુદી જુદી હોય છે. અમુક સંપ્રદાયમાં અમુક વસ્તુ ખવાતી નથી તેથી એમની પરંપરા અનુસાર પણ આ યાદી જુદી જુદી રીતે બને છે. કહેવાની આ એક લાક્ષણિક રીત છે. બત્રીસ શાક અને તેત્રીસ પકવાન એ વિવિધતા અને વિપુલતા સૂચવે છે. આટલી વિપુલતા અને વિવિધતા માત્ર ભારતમાં જ જોવા મળે છે એ પણ ગૌરવ લેવા જેવી બાબત છે.
– ચટણી અને રાયતામાં શું ફેર?
– પથ્થર ઉપર વાટીને, લસોટીને બનાવાય તે પદાર્થને ચટણી કહેવાય.
– રાય લસોટીને ચઢાવાય અને દહીં ભેળવાય તેને રાયતું કહેવાય.
– દાખલા તરીકે કોથમીર મરચાની, શીંગની કે તલની, ફુદીનાની, લસણની ચટણી હોય, કેળાનું, કોળાનું, બુંદીનું રાયતું હોય.
– ઊંધિયું કોને કહેવાય?
– શિયાળામાં મબલખ પ્રમાણમાં વિવિધ પ્રકારના શાકભાજી થતા હોય છે. આ બધા તાજા શાકભાજી ધોઈને, સાફ કરીને સમાર્યા વિના (ક્યારેક મોટા ટુકડા કરીને) એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને માટીના જ શકોરાથી ઢાંકીને માટીથી જ છાંદી દેવામાં આવે છે, સીલ કરવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને નીચે છાણા, તલસરા, કરગઠિયા, નાના લાકડાને સળગાવવામાં આવે છે. એના ઉપર માટલું ઊંધું રાખવામાં આવે છે. માટલાની ચારે બાજુએ તાપ કરવામાં આવે છે. ચારે બાજુના તાપથી, પોતાની જ અંદર રહેલી ભીનાશથી અંદરનું શાક શેકાઈને ચઢી જાય છે. પછી તેને થાળીમાં લઈને કાચું તેલ તથા આદુ, મરચાં, કોથમીરની ચટણીનો મસાલો, મીઠું વગેરે ભેળવીને ખવાય છે. આ વાનગી અતિશય સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
– તેલ, મસાલો વગેરે ગરમ અને તમતમતો હોવાને કારણે સંતુલન માટે તેની સાથે ઘી ગોળવાળી કોઈને કોઈ મીઠી વસ્તુ ખાવામાં આવે છે.
– આજકાલ શાકની જેમ વઘારીને, કૂકરમાં બાફીને, તેલમાં ડૂબેલું હોય એવું ઊંધિયું અને સાથે જલેબી ખાવાનું પ્રચલન છે. પરંતુ એ એની મૂળ રીત નથી.
hemangidmehta@gmail.com