પંચામૃત શું છે?
– પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિનો પંચામૃતથી અભિષેક થાય છે આ પાંચ અમૃત સમાન પદાર્થો છે ઘી, દૂધ, દહીં, મધ અને સાકર. આ જ પંચામૃતનો પ્રસાદ પણ લેવાય છે એ અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
– ભોજનમાં ગળી ચટણી જેવું પણ ખટ મધુરું પંચામૃત હોય છે જેમાં આમલી, મરચું, મીઠું, ગોળ અને ધાણા હોય છે તો પ્રુવ ખારેક વગેરે પણ નાખવામાં આવે છે.
– પંચ ખાદ્ય કોને કહેવાય?
– પંચ ખાદ્ય એટલે પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થોની ભેળ. આ પાંચ ખાદ્યો છે ખારેક, ટોપરું, સાકર, કાજુ અને દ્રાક્ષ. ક્યારેક કાજુ ને બદલે મગફળીના દાણા પણ હોય.
– આ આ પંચ ખાદ્ય સૂકા પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. બાળકોના પૌષ્ટિક નાસ્તામાં પણ વપરાય છે.
– પંચ કણકી કોને કહેવાય.
– ચોખા ચડતી વખતે એટલે કે ડાંગરના ફોતરા કાઢીને ચોખા જુદા કાઢતી વખતે કેટલાક ચોખાના દાણા ભાંગીને એના નાના ટુકડા થઈ જાય છે એને ચોખાની કણકી કહેવામાં આવે છે. એ જ રીતે મગ ભરડીને દાળ બનાવતી વખતે, જુવાર છડતી વખતે નાના ટુકડા થાય છે તેને પણ કણકી કહેવાય છે. આવા પાંચ જુદા જુદા અનાજની કણકી ભેગી થાય તેને પંચ કણકી કહેવાય છે. જુદા જુદા મત ધરાવતા એકબીજાની સાથે મેળ વગરના લોકો એક સમૂહમાં ભેગા થાય ત્યારે પણ એને પંચ કણકી કહેવામાં આવે છે.
-બપોરના ભોજનનો સાચો સમય કયો ગણાય.
– ભોજનનો સંબંધ સૂર્યની સ્થિતિ સાથે છે જેમ સૂર્ય ચડતો જાય તેમ જઠરાગ્ની પ્રદીપ્ત થતો જાય.
– જઠરાગ્ની પ્રદીપ્ત થયા પહેલા પણ ન જમાય અને જઠરાગ્ની ઓલવાઈ ગયા પછી પણ ન જમાય. તે રીતે મધ્યાહ્ન અથવા મધ્યાહ્નની થોડુંક પહેલા બપોરના ભોજનનો યોગ્ય સમય ગણાય.
શારીરિક રીતે જોઈએ તો ભૂખ લાગે એ ભોજનનો સાચો સમય ગણાય. ભૂખ લાગ્યા પહેલા પણ ન જમવું અને ભૂખને મરી જવા પણ ન દેવી અને ભૂખ મરી જાય પછી પણ ન જમવું.
– ભૂખ લાગવી અને મધ્યાહ્ન બંને સાથે થાય તો ઉત્તમ. શરીરને એવી ટેવ પાડવાથી પડે છે.
– દિવસમાં કેટલી વખત ખાવું જોઈએ?
– ભૂખ અનુસાર ભૂખ લાગે ત્યારે ખાવું એ સ્વાભાવિક નિયમ છે. સ્વાસ્થ્ય, શરીરનું બંધારણ, ઉંમર અનુસાર ભૂખનું પ્રમાણ હોય છ.ે ક્યારેક ભૂખ પણ સાચી કે ખોટી હોય છે.
– સામાન્ય રીતે યોગ્ય સમયે યોગ્ય રીતે એક વખત જમ્યા પછી ઓછામાં ઓછા ચાર કલાક અને સામાન્ય રીતે અથવા વધુમાં વધુ છ કલાક સુધી કશું ન ખાવું જોઈએ. એક વખત ખાધેલું પચી ગયા પછી જ બીજી વખત ખાવું જોઈએ પરંતુ આ બધા યાંત્રિક નિયમો છે ખરેખર તો પોતાની ભૂખને ઓળખવી જોઈએ.
– ઉપવાસ કરવાની સાચી પદ્ધતિ કઈ છે.
– ઉપવાસ શબ્દનો સીધો અર્થ થાય છે નજીકનો વાસ કરવો. નજીક એટલે ઈશ્વરની નજીક અર્થાત ઈશ્વરમાં, ઉપાસનામાં, જપમાં, ધ્યાન ધારણામાં મન લાગ્યું રહે એ રીતે આહાર કરવા કે ન કરવાને ઉપવાસ કહેવાય. ઉપવાસ કરવાની અનેક રીતો છે.
– આખો દિવસ કશું જ ન લેવું, પાણી પણ ન પીવું એને નકોરડો ઉપવાસ કહે છે.
– ફળ અને દૂધ જ લેવું એ પણ એક રીત છે. કેટલાક લોકો મીઠું, તેલ, મરચું નથી લેતા. કેટલાક લોકો બટેટા, સુરણ, સાબુદાણા વગેરે ખાઈને ઉપવાસ કરે છે. કેટલાક લોકો એક વખત જમીને ઉપવાસ કરે છે
– કેટલાક એક વખત અન્ન અને બાકી બધો સમય ફરાળી વાનગીઓ ખાઈને ઉપવાસ કરે છે.
– દરેકે પોતાની પ્રકૃતિ અનુસાર શુદ્ધ ભાવનાથી ઉપવાસ અને સ્વયં કરવાના ઉદ્દેશથી શરીરને હળવું અને સ્વસ્થ રાખવા માટે પોતાને માફક આવે એ રીતે ઉપવાસ કરવા જોઈએ.
– ઉપાસના માટે નહીં પરંતુ કેવળ શરીરના આરોગ્ય લાભ માટે પણ ઉપવાસ કરવામાં આવે છે. આવા ઉપવાસ સલાહ અનુસાર કરવા જોઈએ.
– કેટલાક લોકો દેખાદેખી, કંઈક નવું ખાવા મળશે એમ જાણીને ઉપવાસ કરતા હોય છે એને આભાસી ઉપવાસ કહેવાય સાચો નહીં.
hemangidmehta@gmail.com