મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામે અંદાજિત ૧૪૨ એકર જેટલું ક્ષેત્રફળ ધરાવતી સરકારી પડતર જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે. સાથે જ આ જમીન પર દુકાનો બનાવી અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી વેચી કાઢી. જેથી હાલ તંત્ર દ્વારા દબાણો દૂર કરવા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી તંત્રની આ કામગીરી હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે, સાથે આ કૌભાંડને લઈને લોકો નવાઈ પામી ગયા છે.જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ચોકડી પર આવેલ ૯૮ સર્વે નંબર કે જે સરકારી પડતર છે અને અંદાજિત ૧૪૨ એકર જેટલી જમીન આવેલી છે. જાકે કેટલાક ભૂમાફિયાઓ દ્વારા આ સરકારી જમીન છેલ્લા કેટલાય વર્ષોથી ચાઉં કરી આર.સી.સી. પાકી દુકાનો બનાવી તેના દસ્તાવેજા બનાવીને લોકોને વેચી પણ કાઢવામાં આવી અને મોટી કમાણી કરી લેવામાં આવી છે.આ સમગ્ર મામલો સરપંચને ધ્યાને આવતા સરપંચ દ્વારા તમામ સરકારી જમીનો ખુલ્લી કરાવવા સી.એમ.ઓ.માં પત્ર લખી જાણ કરવામાં આવી. જેથી મહીસાગર વહીવટી તંત્ર દોડતું થયું અને મોટા પોલીસ કાફલા સાથે સરકારી જમીન ખુલ્લી કરાવવા સર્વે અને માપણી શરૂ કરવામાં આવી છે.જમીનનું મોટું ક્ષેત્રફળ હોવાથી આ સર્વેની કામગીરી આજ રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સર્વે ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં તંત્ર અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે.હાલ તો લીંબડીયા ચોકડી પર મોટા ભાગની સરકારી જમીન છે અને આ સરકારી જમીન પર મોટી મોટી આર.સી.સી. દુકાનો બનાવી દેવામાં આવી છે ત્યારે આ દુકાનો પર બુલડોઝર ફર્યા બાદ લીંબડીયા ચોકડીનો નકશો બદલાઈ જશે તો નવાઈ નહીં. આખરે દાદાનું બુલડોઝર હવે ક્્યારે ફરે છે તે જાવું રહ્યું.



































