જ્યાં સુધી મા ગામડે બેઠી હતી ત્યાં સુધી ગામડા કડેધડે રહ્યા. મા સુરત ગઈ કે મુંબઈ ગઈ કે મા પછી ધામમાં પણ ગઈ પછી જે આ ગામડા કડડભૂસ કરતા ભાંગ્યા છે એનો તો આખો અલગ ઈતિહાસ છે…..!
ચિત્રકારોએ ભારતીય ગ્રામ જગતના બહુ મનોહર ચિત્રો આલેખ્યા છે. પરંતુ એ હવે ઈતિહાસ છે. આપણો વર્તમાન નથી. ગામડાઓ ખાલસા થઈ ગયા છે. જે લોકો ગામડામાં રહે છે એને પોતાને જ ગામડાં બેઠાં કરવામાં કોઈ રસ નથી. તેઓ એમ માને છે કે સરકાર બધું કરે. આ તો સરકારનું કામ છે. ઉપરાંત ઘણા લોકો આર્થિક પરિસ્થિતિની વાતો કરતા હોય છે. ગામડા ભાંગવાનું કારણ કંઈ આર્થિક પરિસ્થિતિ નથી. પહેલી વાત તો એ છે કે આપણે ગામડામાં બેઠાં બેઠાં શહેરોના વખાણ કરતા થાકતા નથી. એકબીજા લોકો હરખથી કહેતા હતા કે મોટાને સુરત મેકલ્યો ને દિવાળીએ હવે મોટા વાંહે નાનોય જાવાનો છે…… ખરેખર તો આ જે મોટા વાંહે નાનો ગ્યો ને એની વાંહે જ ગામડાંની સર્વ સંસ્કૃતિ અને સંસ્કાર પણ વહ્યા ગયા…. એમ જ ધીરે ધીરે ગામડાં ખાલી થયા ને ભૂતિયા બની ગયા.
ગામડાઓ તો મખમલના તાકા જેવા હતા. સહુએ એક એક દોરો શહેર ભણી તાણ્યો ને એમ તણાઈ તણાઈને તાકો આખો તાર તાર થઈ ગયો. હવે એને પાછો તો કોણ વણાટ કરી આપે. જ્યાં સુધી મા ગામડે બેઠી હતી ત્યાં સુધી ગામડા બેઠાં થયેલા રહ્યા. મા સુરત ગઈ કે મુંબઈ ગઈ કે મા પછી ધામમાં પણ ગઈ પછી જે આ ગામડા કડડભૂસ કરતા ભાંગ્યા છે એનો તો આખો અલગ ઈતિહાસ છે. મા ગામડે બેઠી હતી ત્યારે ગોળના ગાડા હતા. વાડિયુંમાં કૂવાના પાણીના ધોરિયા શેત્રુંજીના આછા નીરની જેમ ધસમસતા હતા. સુરતથી છૈયાં-છોકરાવના ધાડાં ને ધાડાં ઉતરી આવતા હતા. ગામની શેરીયુંમાં હાલવાનો માગ નહોતો. આખો વગડો ને એની વનરાઈ પોતાના છોરુની રાહ જોઈ જોતી હોય. લાલ-પીળા બોરના ઝૂમખાઓ. જ્યાં જુઓ ત્યાં મબલખ પાક. માગ્યા મેહ વરસે એવી દરેક મોસમ. એ જમાનો ગયો.
હવે સુરત ગયેલી આપડી વસ્તી ને આપડા વસ્તારને ઘરના ઘી મળતા નથી. બધુંય મૂળસમેત ઉખડી ગયું. એનો કોઈએ અફસોસ એટલે કરવાનો નથી કે માનવ વસાહતો બહારથી ખાલી દેખાય છે જ કે સ્થિર છે. ખરેખર તો આપડા કાફલા સદાય જિપ્સીઓની જેમ બદલતા રહ્યા છે. સુખની પાછળનો મનેખનો રઝળપાટ કંઈ ઓછો છે? ગામડામાં ખેતી હતી અને એ તો હજુ છે. પરંતુ હવે કોઈને ખેતી કરવી નથી. હા, મોબાઇલમાં ટીક ટીક કરવાથી જો ખેડ થતી હોય તો એ ફાવે એમ છે. એવી ખેડ્ય બધાને કરવી છે. પણ ખેતરે જાવાની વાત નહિ. આપણે એવા લોકોને જોયા છે કે ૫૦ કે ૨૦૦ વીઘા જમીન હોય એનેય પડતી મૂકીને સુરત હીરા ઘસવા ગયા હોય. અને પછી ત્યાંને ત્યાં જ રહી ગયા. ખેતી તો એવી છે કે એકવાર તમે પડતી મૂકો પછી તમને કદી નજીક ન આવવા દે. અને જો તમે ખેતીમાં જ ઓતપ્રોત રહો તો પેઢીઓની પેઢીઓ તરી જાય એટલું ધનધાન્ય આ ખેતીવાડી તમને આપે.આજકાલ અમેરિકામાં યુવક-યુવતીઓ પોતાની નોકરીઓ છોડીને ખેતી કરવા લાગ્યા છે. તેમની પાસે બહુ જમીન નથી. આમ તો અમેરિકામાં જમીનદારો પાસે લાગઠ્ય જમીન હોય છે. પરંતુ આ જે નવી પેઢીના લોકો ખેતીમાં જોડાયા એ બધાની પાસે તો થોડાક થોડાક એકર જમીન છે. કોઈની પાસે પાંચ એકર તો કોઈની પાસે સાત. વળી એવા લોકો કે જે તેમાં જોડાઇ રહ્યા છે તેઓ કંઈ બેરોજગાર નથી કે નોકરી ન મળે ને ખેતી કરે એવા પણ નથી. તેઓ નોકરી કરતા હતા અને ઊંચા પગારની નોકરી હતી. પણ એ નોકરીઓ છોડીને હવે તેઓ કૃષિજીવન તરફ વળ્યા છે. ખેતી અને જાતે કરેલી ખેતીમાં આસમાન જમીનનો ફેર છે. ભાગવી ખેતી એ છે તો ખેતી જ પણ એમાં મહેનત તો આપડી નથી એટલે રૂપિયો કપાઈને આવે છે.
આજકાલ અમેરિકામાં એક યુવતી બહુ ચર્ચાસ્પદ છે. એનું નામ છે લીઝ વ્હાઈટહર્સ્ટ. આ યુવતી ગ્રેજ્યુએટ થયા પછી છેલ્લા બે વર્ષથી પોતાની ત્રણેક એકરની નાની જમીનના ટુકડામાં સતત ખેતી કરે છે. તે આખા અમેરિકાને સમજાવવા ચાહે છે કે દરેક પરિવારમાંથી એક સભ્યએ તો પોતાનું જીવન
કૃષિને સમર્પિત કરવું જોઈએ. તો જ પરિવારના બાકીના લોકોને સારા ખોરાક-પાણી મળી શકે. જેમના ઘરમાં એક ખેડૂત ન હોય એમના ઘરમાં અનેક ઝેરી ખાદ્ય પદાર્થો પ્રવેશી જવાની ભીતિ રહે છે. આ લીઝ નામની યુવતી કહે છે કે એ જરૂરી નથી કે તમારી પાસે તમારું ખેતર હોય. બે વર્ષ પહેલા મારી પાસે મારું ખેતર ન હતું તો હું બીજાના ખેતરમાં કામ કરવા જતી. તેમાંથી મળેલા પૈસા અને મારી નોકરીની બચત બધું ભેગું કરીને મેં ત્રણ એકર જમીન ખરીદી છે.
લીઝ કહે છે કે હવે આ ત્રણ એકર જમીન એ માત્ર જમીન નથી પરંતુ મારી હવે પછીની જિંદગીની મહત્વની ભૂમિકા છે. કારણ કે અહીંથી જ મને બધાય સુખ પ્રાપ્ત થશે. આ ત્રણ એકરની જમીન મને હોસ્પિટલો અને અકસ્માતોથી બચાવશે. હવે મારે શહેરમાં જવાની જરૂર નથી. જો કે આવી વિચારધારા જેટલી સાંભળવી કે વાંચવી મીઠી લાગે છે, એટલો એનો અમલ સરળ કે સ્વાભાવિક નથી. આપણો દેશ તો માત્ર કહેવા ખાતરનો જ
કૃષિપ્રધાન છે. સરવાળે નજર નાંખો તો ખ્યાલ આવે કે બધાને જમીન માલિકીમાં જ રસ છે, ખેતીમાં રસ નથી. જો કે એકલા ગુજરાતની વાત નથી, ભારતીય પ્રજાના હાથપગ હવે કાચા પડી ગયા છે. એવા શિક્ષકો હતા કે એક લાફો મારે એટલે વિદ્યાર્થીના કાનમાંથી લોહી વહેવા લાગે. જો એ જમાનામાં શિક્ષકો એવા હતા તો ખેડૂના દીકરા કેવા હશે એની કલ્પના કરો. એકલે હાથે આખા ગાડાં ભરીને ખેતરેથી હાંકી આવતા. રાતે વાહોપે જાતા. ઝાડ પર મેડા બનાવી રહેતા અને પડકારા કરીને આખી રાત જનાવરને હાંકતા. જરૂર પડે તો હરાયા ઢોરને હાંકવા માથોડે ચડી ગયેલા ખેતરમાં ઉતરતા અને હડિયું કાઢતા. વળી વહેલી સવાર કોર્ય જાતે બળદ જોડીને કોહ હાંકતા. દૂર પૂર્વમાં જરાક પો ફાટે કે એના કંઠમાંથી પ્રભાતિયા વહેતા થતા…. હે જાગ ને જાદવા…. હવે ગામડાઓના વિકલ્પમાં શહેરો ઉપરાંત વિશાળ ટાઉનશિપો આવી. શહેર તો કાચબાની જેમ ચોતરફ વિસ્તરતા જ રહે છે. નજીકના એક પછી એક ગામડાંઓ શહેરમાં જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે. આપણા દેશમાં મુંબઈ અને કલકત્તા એ બે એવા શહેરો છે જે સૌથી પહેલા ભાંગવાના છે. જેમ ગામડાઓ ખાલસા થાય એમ શહેરો પણ ખાલી થવાના. શહેરો કંઈ અમરપટ્ટો લખાવીને થોડા આવ્યા છે? અત્યારે જ ત્યાં મોટા ભાગના લોકો તો વખાના માર્યા રહે છે. એને કોઈક નવી લીલીછમ ડાળે માળો બાંધવો છે. પણ આજે કે કાલે એમ વિચારતા જનમારો પૂરો થઈ જાય છે. શહેર આવા કેટલાય લોકોને આખે આખા ગળી જાય છે. આ તો ક્રમ છે ને કુદરતે નહિ, માણસ જાતે ઘડેલો ક્રમ છે.










































