હિન્દુસ્તાનમાં હમણાં હમણાં મૂળિયા વિનાની તત્કાલ રાજનીતિ ઉદ્ભવવી સામાન્ય બાબત બની ગઈ છે. કોઈ મુદ્દો ઉછાળીને, કોઈને ગાળો આપીને કે કોઈ બેહૂદી હરકત કરીને સોશ્યલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં છવાઈ જતી ટૂંકાગાળાની રાજનીતિનું પ્રમાણ સવિશેષ થઇ પડ્યું છે. સોશ્યલ મીડિયાના પ્રચાર પ્રસારે એક વર્ગમાં એવો ભ્રમ ફેલાવી દીધો છે કે આગેવાન થવું સહેલું છે. સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મળતા રિસ્પોન્સને ઈવીએમ સુધીનો ટેકો સમજવાની ભૂલ ક્યારેય પણ કરવી હિતાવહ નથી. ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે કે જેની ચૂંટણીપ્રચાર દરમિયાનની જાહેરસભાઓ છલોછલ ગઈ છે, એમના ઈવીએમ ખાલી નીકળ્યા છે. જેમની પાસે કોઈ રાજનીતિક આધાર, અનુભવ કે પ્રજા પીઠબળ નથી એવા લોકો જનતાના હામી હોવાનો દાવો કરતા થઇ ગયા છે. જેનું કોઈ પ્રકારનું જાહેરજીવન નથી, જનતા સાથે કોઈ જોડાણ નથી, પોતાની ઓફિસ કે ઘરની ચાર દીવાલ બહાર કોઈ મુદ્દે લડત આપી શકે તેમ નથી એવા લોકો પોતાની ઓફિસ કે ઘરમાં બેસીને લીડર હોવાનો ભ્રમ પાળતા થઇ ગયા છે. સવાલ માત્ર કોઈ મુદ્દાને લઈને ચમકી જવાનો હોય છે. મુદ્દાની ગંભીરતા અને પ્રસ્તુતિ અભિપ્રેત નથી હોતી. પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઈ ઈરાદો હોતો નથી. પ્રજાકલ્યાણની કોઈ ભાવના હોતી નથી. પોતાનું રાજકીય વજૂદ ટકી રહે એ એક માત્ર આશય હોય છે. પોતાની રાજનીતિને ગિયરઅપ કરવાનો ઉદ્દેશ માત્ર હોય છે.
નવી શિક્ષણનીતિ અંતર્ગત હિન્દીને ત્રીજી ભાષા તરીકે દાખલ કરવાની કેન્દ્ર સરકારની ભલામણ બાદ સૌ પ્રથમ તમિલનાડુમાં એનો વિરોધ થયો અને હવે ભારતના બે રાજ્યોમાંથી હમણાં હમણાં ભાષા વિવાદ વધુ વકર્યો છે. મહારાષ્ટ્ર અને બંગાળના નેતાઓને અચાનક મરાઠી અને બંગાળી ભાષાની અસ્મિતા અને ગૌરવ યાદ આવ્યા છે. આઝાદ ભારતમાં ભાષાવાર પ્રાંતોની રચના થઇ હોવા છતાં બે ભાષાની પ્રજા વચ્ચે ક્યારેય ભાષાને લઈને સંઘર્ષ જોવા મળ્યો નથી. ભારતમાં ભાષા લગભગ ક્યારેય લાંબો સામાજિક પ્રશ્ન રહ્યો નથી, માત્ર રાજકીય રહ્યો છે. ભારતની આમ જનતા દરેક ભાષા અને પ્રજાનું ગૌરવ કરે છે. નેતાઓ કે જેની કારકિર્દી અસ્તાચળ તરફ ઝડપભેર જઈ રહી છે, તેઓ ભાષાને હથિયાર બનાવીને સ્થાનિક પ્રજાને અન્ય ભાષા બોલતી પ્રજા સામે ઉશ્કેરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ શિવસેના અને મનસે જેવા પક્ષોના અસ્તિત્વ પર સવાલ ઉભા કરી દીધા છે. જેઓ પોતાને મહારાષ્ટ્રના અને મરાઠી પ્રજાના સાચા પ્રતિનિધિ ગણાવતા હતા, પ્રજાને તેમને ઉખેડી ફેંક્યા છે. મુંબઈ મહાનગરની ચૂંટણી આવી રહી છે. એમનો ટાર્ગેટ ગુજરાતી અને ઉત્તર ભારતીય વર્ગ છે જેણે મહારાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી છે.
જેની ત્રીજી ચોથી પેઢી મુંબઈમાં જન્મી છે, જેણે તમારી જેમ જ પહેલો શ્વાસ મુંબઈની દરિયાઈ ભેજવાળી હવામાં લીધો છે, એ બધાને તમે ઉખાડી ફેંકશો ? અહી યુગાન્ડાનો કેસ યાદ કરવા જોગ છે. જ્યાં ઘણા બધા ગુજરાતીઓએ વસીને કારોબાર શરુ કર્યા હતા. એકાએક ઈદી અમીને બધાને દેશ છોડીને નીકળી જવાનું ફરમાન બહાર પાડ્યું, ગુજરાતીઓ પહેરેલ કપડે યુગાન્ડા છોડી ગયા. પરિણામ શું આવ્યું ? યુગાન્ડા જ્યાં હતું ત્યાં જ થંભી ગયું. જવાહરલાલ નહેરુએ ભારત વિભાજન વખતે કહ્યું હતું કે કોઈ પ્રજાને એક જગ્યાએથી મૂળ સમેત ઉખાડીને બીજી જગ્યાએ રોપી શકાતી નથી. જો એવું થાય છે તો પછી પાછળની ભૂગોળની સ્થિતિ યુગાન્ડા અથવા પાકિસ્તાન જેવી બની રહે છે.
હિન્દુસ્તાનમાં હિન્દી બોલવાથી કોઈને તકલીફ થાય એ ન સમજી શકાય તેવી વાત છે. દરઅસલ આ બાબતના મૂળ થોડા ઉંડા છે. કોંગ્રેસના પતન બાદ ભારતીય જનતા પક્ષ હવે ક્ષેત્રીય પક્ષોથી એમના ઘરઆંગણે જઈને મુકાબલો આદરી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં એ સફળ પણ થયો છે. એટલે હવે જે સ્થાનિક પક્ષો રાજ્ય કક્ષાએ સત્તામાં છે કે સત્તાની નજીક છે અથવા એક વખત સત્તાનો સ્વાદ ચાખી ગયેલ છે તેઓ સચેત થઇ ગયા છે. એમની સામે સૌથી મોટો પડકાર હવે સ્થાનિક સ્તરે જનાધાર ટકાવી રાખવાનો છે. વર્ષોથી જે પ્રજા આંખો મીંચીને મત આપતી હતી એ પ્રજા હવે સવાલો પૂછતી થઇ ગઈ છે. સ્થાનિક સ્તરે રાષ્ટ્રીય મુદ્દાઓ લઈને તેઓ નીકળી શકે તેમ નથી, કારણકે એ એટલા કારગર નથી રહેતા. એટલે આવા સ્થાનિક પ્રજાને ઉશ્કેરવાના મુદ્દાઓ લઈને શેરીઓમાં ઉતરવું પડે એ સ્વાભાવિક છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને મનસે જેવા પક્ષો, તમિલનાડુમાં ડીએમકે, બંગાળમાં તૃણમુલ, બિહારમાં આરજેડી અને ઉત્તરપ્રદેશમાં સપા જેવા પક્ષો સ્થાનિક સ્તરે આગામી સમયમાં પોતાના અસ્તિત્વ સામે ખતરો જોઈ રહ્યા છે. નીતિરીતિઓ એવી છે કે રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી શકે તેમ નથી અને કોંગ્રેસ સાથે ગઠબંધનથી કોઈ ફાયદો થતો નથી એ સ્વાદ લગભગ બધા ક્ષેત્રીય પક્ષોએ ચાખી લીધો છે. એટલે હવે પોતાના બલબૂતા પર ક્ષેત્રીય સ્તર પર ટકી રહેવાનો પ્રયત્ન કરવાનો રહે છે. એ પ્રયત્નોમાં આવા સ્થાનિક મુદ્દાઓ સારા અસરકારક બની રહે છે.
ભાષા કોઈ રાજનેતા કે સાહિત્યકારોની દયા પર નથી નભતી. ભાષા પ્રજાની જીભ અને માનસ જીવશે છે. જેઓએ અંગ્રેજી જેવી વિદેશી ભાષા અપનાવી લીધી છે, તેઓ હિન્દી જેવી રાષ્ટ્રભાષાનો શા માટે વિરોધ કરે છે ? એ ભાષાનો વિરોધ નથી, એ ભાષા બોલતી પ્રજાનો વિરોધ છે. આ બધા આસાનીથી ધારી લઇ શકાય એ કક્ષાના સમીકરણો છે. આમાં રાજનેતાઓની કોઈ ઊંડી સૂઝબૂઝ કે કૂનેહ હોતી નથી. ટૂંકાગાળાની રાજનીતિઓ લાંબાગાળાના નુકસાન લઈને આવે છે. ભાષા બે પ્રજાને જોડી શકે છે અને ભાષાભેદ બે પ્રજા વચ્ચે ઊંડી ખાઈ નિર્માણ કરી શકે છે. નેતા પોતાનું પાંચ દશ કે પંદર વર્ષનું છીછરું રાજકારણ કરીને એક દિવસ મરી જવાનો છે. ભાષા કાયમી રહેવાની છે.
ક્વિક નોટ — શું ઈતિહાસ એક નિયતિ છે ?ની થીયરી પર ફિલસૂફ ફ્રેડરિક એંગલ્સે કહ્યું છે કે …. જો નેપોલિયન ન હોત તો તેના સ્થાને કોઈ બીજો માણસ આવ્યો હોત, ઈતિહાસને જયારે જેવા માણસની જરૂર પડે છે, ત્યારે ઈતિહાસને એ પ્રકારનો માણસ મળી જ રહે છે.