અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વધતી ઘટનાઓને કારણે ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને રાજુલા-જાફરાબાદ પંથકમાં હાઇવે ઓથોરિટી હેઠળ કામ કરતી એજન્સીઓ દ્વારા અધૂરા કામો અને લાંબા સમયથી યથાવત રાખવામાં આવેલા ડાયવર્ઝનને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક વર્ષોથી એક ડાયવર્ઝન રાખવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ સેફટી સાઇન બોર્ડ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા નથી. પરિણામે પુરપાટ ઝડપે આવતા વાહનચાલકોને અચાનક વળાંક આવતાં અકસ્માત સર્જાઈ રહ્યા છે. આગળ કાગવદર-ભટવદર વિસ્તારમાં પણ એક ડાયવર્ઝનન કાઢવામાં આવ્યું છે. ટીંબીથી ચારનાળા સુધીના વિસ્તારમાં બે ડાયવર્ઝનન હોવાને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં ૨૫થી વધુ અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેમાં ૫થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ નાગેશ્રી પોલીસ દ્વારા બાઈક અકસ્માતના કેસમાં હાઇવે ઓથોરિટીની બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડાયવર્ઝન વિસ્તારમાં ધૂળના ઢગલા રાખવામાં આવતા દૃશ્યતા ઘટી જાય છે, જે અકસ્માતનું એક મુખ્ય કારણ બની રહ્યું છે. ગઈકાલે રાત્રે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ડાયવર્ઝન પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ નાગેશ્રી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર સામે ગુનો નોંધવાની માંગ ઉઠી રહી છે. લોકોનો આક્ષેપ છે કે વારંવાર અકસ્માતો છતાં ડાયવર્ઝન દૂર કરવા અથવા યોગ્ય સેફટી વ્યવસ્થા કરવા માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. જાફરાબાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળાએ જણાવ્યું હતું કે રોડના અધૂરા અને નબળા કામોને કારણે સતત મેન્ટેનન્સ કરવાની જરૂર પડે છે. કાગવદર અને છેલણા નજીક વર્ષોથી રાખેલા ડાયવર્ઝન હવે જરૂરી નથી, છતાં તેઓ હટાવવામાં આવ્યા નથી. અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી તાત્કાલિક ડાયવર્ઝન દૂર કરી હાઇવેના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નેશનલ ઓથોરિટીના ડાયરેકટર વિદિત જૈને જણાવ્યું હતું કે, કામગીરી જેમ બને તેમ વહેલી પૂર્ણ કરાવી ડાયવર્ઝન ખુલે તેવા પ્રયાસો કરવામાં આવશે.








































