ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા એક જવાન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ફરજ બજાવતા આશિફભાઈ જમાલભાઈ પરમારે પોતાના વતન ભાવનગર ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આશિફભાઈ પરમાર ભારતીય સેનામાં કાર્યરત હતા અને હાલમાં તેઓ ઉત્તરાખંડમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેઓ ગત ૨૩ તારીખે રજા લઈને પોતાના વતન ભાવનગર આવ્યા હતા. રજા દરમિયાન હાદાનગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર તેમણે ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જાકે, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.