ભાવનગર શહેરમાં સાયબર ગુનાઓની શ્રેણીમાં વધુ એક ઘટના નોંધાઈ છે. ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલા એક નવા કેસમાં, ભુંભલી ગામના પાટિયા નજીક રહેતા એક વેપારી સાથે ૧,૧૫,૫૪૮ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીઓએ આર્મીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને વેપારીને છેતર્યો હતો.

ઉત્તરપ્રદેશના વતની અને ભાવનગરમાં વેપારી તરીકે સ્થાયી થયેલા નિરજ ભગેલે નામના શખ્સે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.માહિતી અનુસાર અજાણ્યા શખ્સે તેમનો સંપર્ક કરી આર્મીના અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને મીઠાઈનો મોટો ઓર્ડર આપવાની વાત કરી હતી. આરોપીએ ઓનલાઈન ચૂકવણીના બદલામાં ડબલ રકમ પરત કરવાની લાલચ આપી હતી, જેના કારણે નિરજે વિશ્વાસ કરીને ૧,૧૫,૫૪૮ રૂપિયા અલગ-અલગ બેંક એકાઉન્ટ્‌સમાં ટ્રાન્સફર કર્યા.

ફરિયાદના આધારે, પોલીસે બે બેંક એકાઉન્ટ ધારકો જીતેન્દ્રકુમાર ભારતી અને કેશવ સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જેણે વેપારી સાથે સંપર્ક કરીને આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો.ઘોઘા પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.