ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ભુતીયા ગામ કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયું છે. સામાન્ય ઘરગથ્થુ કંકાસ અને જૂની અદાવતમાં એક પિતરાઈ ભાઈએ જ પોતાના જ ભાઈની નિર્મમ હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું. આ લોહિયાળ ખેલમાં પંચમહાલના ગોધરાથી માણસો બોલાવીને હત્યાને અંજામ આપવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભુતીયા ગામે રહેતા ચીમન નાયક નામના વ્યકિતની તેમના જ પિતરાઈ ભાઈ દિલીપ નાયકે અન્ય બે શખ્સો સાથે મળીને ઘાતકી હત્યા કરી છે. આ ઘટના બાદ ગામમાં ભય અને અરેરાટીનો માહોલ જાવા મળી રહ્યો છે. મૃતકની પત્નીએ પોતાના જ જેઠ (પિતરાઈ) વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ ૩ મહિના જૂની અદાવત જવાબદાર છે. દિલીપભાઈની પહેલી પત્નીને મજૂરી કામ માટે રંઘોળા ગામે લાવવામાં આવ્યા હતા, જે બાબતે ચીમનભાઈ અને દિલીપભાઈ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સામાન્ય વાતનો બદલો લેવા માટે દિલીપભાઈએ પિતરાઈ ભાઈને પતાવી દેવાનું નક્કી કર્યું હતું.
આ હત્યાકાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી દિલીપભાઈ પંચમહાલ જિલ્લાના ગોધરાથી બે અજાણ્યા શખ્સોને સ્પેશિયલ હત્યા કરવા માટે સાથે લાવ્યો હતો. આ બંને શખ્સોની મદદથી ચીમનભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા છે.
ઘટનાની જાણ થતા જ ઉમરાળા પોલીસનો કાફલો ભુતીયા ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર આરોપી દિલીપ નાયક અને ગોધરાના બે શખ્સોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. કૌટુંબિક ઝઘડામાં પિતરાઈ ભાઈએ જ ભાઈનું લોહી રેડતા નાયક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.









































