પાલિતાણામાં છ ઇંચ જેટલો વરસાદ મહુવામાં પણ ૫.૮૩ ઇંચ વરસાદ પડ્યો
ગુજરાતમાં ચોમાસા પહેલાં જ વરસાદે ધડબડાટી બોલાવી છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે માજા મૂકી છે. આજે સવારના ૬ કલાકે ૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હજી આજે અને આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સવારે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં એટલે કે, છ કલાકમાં ગુજરાતના ૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના જેસરમાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અહીં માત્ર ૧૦ થી ૧૨ વાગ્યા સુધી એટલે કે બે કલાકમાં જ ચાર કલાકથી વધારે વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં આજે સવારથી મેઘરાજાએ દે ધનાધન શરૂ કર્યું હતું. અહીં જેસર ઉપરાંત, પાલિતાણામાં ૫.૯૪ ઇંચ એટલે કે છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના મહુવામાં પણ ૫.૮૩ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના તળાજા અને શિહોરમાં પણ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. અહીં તળાજામાં ત્રણ ઇંચ અને શિહોરમાં ૧.૮૧ ઇંચ વરસાદ નોંધાયો છે. ખાંભા, ગારિયાધાર, હાંસોટ, સુત્રાપાડા, ઉના, ઉમરગામ, રાજુલામાં પણ આજે સવારે વરસાદ વરસ્યો છે. અહીં ચાર કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેધર મેપ પ્રમાણે, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની પોલ ખુલ્લી ગઈ છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં. મહુવા શહેર સહિત તરેડ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની પોલ ખુલ્લી છે.
શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. બુઢણા, બાલવાડી કોઝ-વે નવા બનેલા રોડ પરના રેલિંગના પતરાં પહેલા વરસાદમાં જ તણાતાં પાલિતાણા-ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે. શિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ બે જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. શહેરના જવાહર મેદાન અને ઘોઘા તાલુકાના કરેડા ગામે વીજળી પડતાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. કરેડા ગામમાં હીરાના કારખાનામાં વીજળી પડવાથી મહિલાને ઈજા પહોંચી છે. જ્યારે શહેરના જવાહર મેદાનમાં વીજળી પડતાં ૫ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. હાલ શહેરની સિવિલ હોÂસ્પટલમાં કરેડા ગામની મહિલા અને જવાહર મેદાનના બે વ્યક્તિઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિઓને સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જાકે વીજળી પડવાના બનાવને લઈ હજુ સુધી તંત્ર તરફથી સત્તાવાર કોઈ માહિતી આપવામાં નથી આવી.
ભાવનગરના શિહોર તાલુકાના ટાણા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શિહોર તાલુકાના વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો છે. ધોધમાર વરસાદ થતાં ગામોમાં વૃક્ષ પડી ગયાં છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરલ તથા આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ટાણા, વરલ, ગુંદાળા, અગયાળી, બેકડી, થોરાળી, દેવગાણા, બોરડી, બુઢણા, લવરડા, વાવડી, રાજપરા, થાળા, સરકડીયા વગેરે ગામોમાં વરસાદ નોંધાયો છે.