ભાવનગર જિલ્લામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડીઓએ ગરીબ અને અભણ ખેડૂતોને તેમના સાણસામાં લીધા છે. તેઓએ રૂપિયાની જરૂરિયાત હોય તેવા અભણ અને ગરીબ ખેડૂતોને કૌભાંડનો એવી રીતે હિસ્સો બનાવી દીધા કે તેમને તેની ખબર પણ ન પડી.
ભાવનગર જિલ્લામાં કૌભાંડીઓએ લોનની લાલચ આપી તળાજા વિસ્તારના અભણ અને ગરીબ ખેડૂતોના બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. તેમના જરૂરી ડોક્યુમેન્ટ લઈને બેન્કમાં ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ ગરીબોના જ બેન્ક ખાતામાં તેમની જાણ બહાર કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા.
બેન્ક ખાતા ખોલાવીને કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના વ્યવહારોના પગલે આવકવેરા વિભાગે આ ગરીબ અને અભણ ખેડૂતોને નોટિસ પાઠવતા તેઓ ચોંકી ગયા હતા. તેમને તો ખબર પણ પડી ન હતી કે આ બધું થઈ શું રહ્યુ છે. રત્ન કલાકાર અને તેના જેવા બીજા સામાન્ય માણસોના ખાતામાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર થયા હતા. બેન્ક ખાતામાં ૩૭ કરોડ કરતાં વધારે વ્યવહાર થયા હતા. ૩૭ કરોડના ટ્રાન્ઝેકશન થતાં આવકવેરા વિભાગે નોટિસ આપી હતી. તે સમયે ખબર પડી હતી કે આ કૌભાંડનો ભોગ બનનારા સામાન્ય લોકો અને ગરીબ છે. તેના પગલે આવકવેરા વિભાગ દ્વારા આખા કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે.
આવકવેરા વિભાગનું માનવું છે કે આ તપાસનો વ્યાપ વધતા આગામી દિવસોમાં આવા કરોડો બેનામી વ્યવહારોની જાણકારી મળી શકે છે. પહેલા તો ભાવનગર જિલ્લામાં આવા કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવશે અને તેમા ખાતેદારોની જાણ બહાર કેટલા વ્યવહાર થયાં છે તે ચકાસવામાં આવશે. જરૂર પડે તો આ તપાસમાં બીજી કેન્દ્રીય એજન્સીઓ પણ જાડાઈ શકે છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં નવો ફણગો ફૂટશે તો નવાઈ નહીં લાગે.