ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનમાં પલટો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. માવઠાની સંભાવનાઓ છે પરંતુ અમદાવાદમાં ગરમી યથાવત રહેશે જેમાં તાપમાન ૪૦ને પાર રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા દ્વારા રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં હાલના અઠવાડિયાના અંત ભાગથી આગામી અઠવાડિયાની મધ્ય સુધી સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ સહિતના રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા માવઠા અને કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, હાલ રાજ્યનું હવામાન સૂકું છે જેમાં ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં ૪૩.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. આગામી દિવસોમાં હીટવેવની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. જેમાં હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટીવિટી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ ૩થી ૮ મે દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ૩ અને ૪ મેએ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તથા કચ્છમાં ૩-૪ તારીખે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની શકયતાઓ છે.  ૫મી મેએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમસનાથ તથા દીવમાં વરસાદની શક્યતાઓ ૫મી મેના રોજ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તે છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે.