શરણાર્થીઓના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા સોમવારે કહ્યું કે, “ભારત કોઈ ધર્મશાળા નથી. દુનિયાભરમાંથી આવેલા લોકોને શરણ આપવાનું કોઈ ઔચિત્ય નથી. ભારત એવા લોકોને શરણ કેમ આપે.” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભારત ૧૪૦ કરોડ લોકો સાથે પહેલાથી સંઘર્ષ કરી રહ્યો છે. દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને શરણ આપવું શક્ય નથી. શરણાર્થીઓને શરણ આપવાની માગવાળી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

જસ્ટીસ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલા તમિલ શરણાર્થીઓને ધરપકડમાં લેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડતા આ મોટી ટિપ્પણી કરી હતી. શ્રીલંકાના અરજીકર્તા તરફથી આવેલા વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, “તે એક શ્રીલંકન તમિલ છે, જે વિઝા પર અહીં આવ્યો હતો. તેના પોતાના દેશમાં તેને જીવનો ખતરો છે.” અરજીકર્તા કોઈ પણ નિર્વાસન પ્રક્રિયા વિના લગભગ ત્રણ વર્ષથી નજરબંધ છે.

તેના પર જસ્ટીસ દત્તાએ પૂછ્યું કે, “અહીં રહેવાનો આપનો શું અધિકાર છે?” વકીલે કહ્યું કે, “અરજીકર્તા એક શરણાર્થી છે.” તેના પર જસ્ટીસ દત્તાએ કહ્યું કે, “ભારત કોઈ એવો દેશ નથી, જ્યાં દુનિયાભરના શરણાર્થી આવીને વસી જાય.”

સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને પૂછ્યું, “શું ભારતને દુનિયાભરમાંથી આવેલા શરણાર્થીઓને શરણ આપવી જોઈએ? અમે ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી. અમે દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને શરણ ન આપી શકીએ.” આ અગાઉ પૂર્વ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે એક વાર સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, “શરણાર્થીઓનું હોવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ભારતના મર્યાદિત સંસાધનોને જોતા આ પગલું લેવું જરૂરી છે.” કોર્ટે એવું પણ કહ્યું હતું કે, ભારતે પહેલા જ કેટલાય શરણાર્થીઓને શરણ આપી છે. પણ હવે તે શક્ય નથી.