બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેનું પૈતૃક ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે. ભારત સરકાર દ્વારા આ અંગે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું છે અને બાંગ્લાદેશ સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘અમને ખૂબ જ દુઃખ છે કે બાંગ્લાદેશના મૈમનસિંઘમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને સાહિત્યકાર સત્યજીત રેની પૂર્વજાની મિલકત, જે તેમના દાદા અને પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીની હતી, તેને તોડી પાડવામાં આવી રહી છે.’
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું, ‘બંગાળી સાંસ્કૃતિક પુનરુજ્જીવનનું પ્રતીક એવી ઇમારતની ઐતિહાસિક સ્થિતિને જાતાં, તેના તોડી પાડવા પર પુનર્વિચાર કરવો અને સાહિત્યક સંગ્રહાલય અને ભારત અને બાંગ્લાદેશની સહિયારી સંસ્કૃતિના પ્રતીક તરીકે તેના સમારકામ અને પુનર્નિર્માણ માટેના વિકલ્પો પર વિચાર કરવો વધુ સારું રહેશે.’ ભારત સરકારે આ સંદર્ભમાં સ્થાનિક અધિકારીઓ સાથે સહયોગ કરવાની તૈયારી પણ વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે આ પૂર્વજાનું ઘર સત્યજીત રેના દાદા અને કવિ સુકુમાર રેના પિતા ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીએ બનાવ્યું હતું. આ સો વર્ષ જૂની ઇમારતનો ઉપયોગ અગાઉ મૈમનસિંહ શિશુ એકેડેમી તરીકે થતો હતો. આ પૂર્વજાનું ઘર સત્યજીત રેના બીજા પૂર્વજ હોરિકિશોર રે ચૌધરીના નામ પરથી બનાવવામાં આવેલા રસ્તા પર આવેલું છે.
રે પરિવારે બંગાળી સાહિત્ય અને કલામાં અમીટ યોગદાન આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને તેને ‘અત્યંત દુઃખદ’ ગણાવ્યું છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર બંગાળીમાં લખતા કહ્યું હતું કે, ‘અહેવાલોમાં ખુલાસો થયો છે કે સત્યજીત રેના દાદા, પ્રખ્યાત લેખક-સંપાદક ઉપેન્દ્ર કિશોર રે ચૌધરી, જે તેમની યાદોમાં ડૂબેલા છે, તેમને બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં તોડી પાડવામાં આવી રહ્યા છે.’
તેમણે વધુમાં કહ્યું, ‘રે પરિવાર બંગાળી સંસ્કૃતિના અગ્રણી વાહકોમાંનો એક છે. ઉપેન્દ્ર કિશોર બંગાળના પુનર્જાગરણના આધારસ્તંભ છે. તેથી મારું માનવું છે કે આ ઘર બંગાળના સાંસ્કૃતિક ઇતિહાસ સાથે ઊંડે સુધી જોડાયેલું છે.’
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને દેશના લોકોને આ ઐતિહાસિક ઘરને સાચવવાની અપીલ કરી છે. તેમણે ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરી છે.