ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની રોમાંચક ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ મેચ ભારતીય ટીમ માટે શ્રેણીમાં વાપસી કરવાની તક જ નહીં, પરંતુ કેપ્ટન શુભમન ગિલ માટે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક પણ છે. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ૬૦૦ થી વધુ રન બનાવ્યા છે.
જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ માન્ચેસ્ટર ટેસ્ટમાં બેટિંગ કરવા ઉતરશે, ત્યારે તેની નજર પાકિસ્તાની દિગ્ગજ મોહમ્મદ યુસુફના ૧૮ વર્ષ જૂના રેકોર્ડ પર રહેશે. મોહમ્મદ યુસુફે ૨૦૦૬ માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ૪ ટેસ્ટની શ્રેણીમાં ૯૦.૧૪ ની સરેરાશથી કુલ ૬૩૧ રન બનાવ્યા હતા, જે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં એશિયન બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે.
ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે શ્રેણીની માત્ર ત્રણ મેચમાં ૬૦૭ રન બનાવ્યા છે. તેની સરેરાશ ૧૦૧.૧૬ છે અને બ‹મગહામ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૨૬૯ રનની તેની ઇનિંગ અત્યાર સુધીનો તેનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. જો ગિલ માન્ચેસ્ટર ટેસ્ટમાં ફક્ત ૨૫ રન વધુ બનાવે છે, તો તે મોહમ્મદ યુસુફને પાછળ છોડી દેશે અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન બેટ્સમેન બનશે.
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
મોહમ્મદ યુસુફ (પાકિસ્તાન) – ૪ મેચમાં ૬૩૧ રન, ૨૦૦૬
શુભમન ગિલ (ભારત) – ૩ મેચમાં ૬૦૭ રન, ૨૦૨૫
રાહુલ દ્રવિડ (ભારત) – ૪ મેચમાં ૬૦૨ રન, ૨૦૦૨
વિરાટ કોહલી (ભારત) – ૫ મેચમાં ૫૯૩ રન, ૨૦૧૮
સુનીલ ગાવસ્કર (ભારત) – ૪ મેચમાં ૫૪૨ રન, ૧૯૭૯
સલીમ મલિક (પાકિસ્તાન) – ૫ મેચમાં ૪૮૮ રન, ૧૯૯૨
ઇંગ્લેન્ડ ૫ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી આગળ છે. લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને ૨૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, માન્ચેસ્ટરમાં રમાનારી આ મેચ ભારત માટે ‘કરો યા મરો’ જેવી છે. જો ભારત આ મેચ જીતે છે, તો શ્રેણી બરાબર કરવાની તક મળશે અને છેલ્લી ટેસ્ટ નિર્ણાયક રહેશે.