ભારતમાં ફરી સ્વદેશીની ચર્ચા છે.અમેરિકા દ્વારા ભારતની આયાત પર ધડાધડ ટેરિફ લદાઈ રહ્યા છે તેના પગલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોકોને આત્મનિર્ભર બનવા હાકલ કરી છે. મોદીએ કહ્યું છે કે, ભારત માટે સૌથી મોટો દુશ્મન બીજા દેશો પરની નિર્ભરતા છે તેથી આ નિર્ભરતાને ભારતે ઘટાડવી જોઈએ અને સ્વદેશીને અપનાવવી જોઈએ. મોદીએ વિદેશી કંપનીઓના માલને બદલે સ્વદેશી માલનો વધારેમાં વધારે ઉપયોગ કરવા સલાહ આપી તેના પગલે ભાજપે તો સ્વદેશી અભિયાન પણ છેડી દીધું છે.
દીનદયાલ ઉપાધ્યાનના જન્મદિને ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલું સ્વદેશી અભિયાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન એટલે કે ૨૫ ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ભાજપના કાર્યકરો ઘરે ઘરે ફરીને લોકોને સ્વદેશી અપનાવવા સમજાવશે, દુકાનદારોને સ્વદેશી માલ જ વેચવા માટે પણ વિનંતી કરશે.
સ્વદેશી અભિયાન દેશના હિતમાં છે તેમાં બેમત નથી પણ સવાલ એ છે કે, ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશીનો અમલ શક્ય છે ખરો ? બિલકુલ નથી. સંપૂર્ણ સ્વદેશીની વાત છોડો પણ ભારત પોતાની જરૂરીયાતના ૫૦ ટકા પણ સ્વદેશી ઉત્પાદનોમાંથી પૂરી કરી શકે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ એ કે, ભારતમાં અનાજ, દૂધ અને તેમની બનાવટોને બાદ કરતાં બાકીની તમામ પ્રોડક્ટ્સ વિદેશી કંપનીઓની જ વેચાય છે.
પહેલાં શ્વેત ક્રાંતિ અને પછી હરિત ક્રાંતિના કારણે ભારતીયો અનાજ અને દૂધ માટે આત્મનિર્ભર થઈ ગયા પણ બાકીની પ્રોડક્સ માટે હજુય વિદેશી કંપનીઓ પર જ નિર્ભર છે. આપણે નાનામાં નાની પ્રોડક્ટ પણ વિદેશ કંપનીઓની જ ખરીદવી પડે એવી હાલત હોવાથી આપણે હજુય વિદેશી કંપનીઓના ગુલામ જ છીએ. ટૂથપેસ્ટ હોય કે ટીવી હોય, એર કન્ડિશનર હોય કે એરોપ્લેન હોય, મોબાઈલ ફોન હોય કે મોટર કાર હોય, આપણી લગભગ તમામ જરૂરીયાતો વિદેશી કંપનીઓ જ પૂરી કરે છે. આ સંજોગોમાં ભારત માટે સંપૂર્ણ સ્વદેશી શક્ય નથી.
ભારતમાં વિદેશી કંપનીઓનો પ્રભાવ અકલ્પનીય છે.
ભારતમાં સૌથી મોટો ભરડો અમેરિકન અને જાપાનની કંપનીઓનો છે. ઓનલાઈન સર્ચ એન્જિન ગુગલથી માંડીને કોકાકોલા અને પેપ્સી જેવી સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડસની ભારતમાં મોનોપોલી છે. મોબાઈલ ફોનમાં પણ ભારતમાં એપલ અને સેમસંગ બે કંપનીઓની બોલબાલા છે. આ પૈકી એપલ અમેરિકન કંપની છે. આ સિવાય એમેઝોન, સિટીબેંક, ફોર્ડ ઈન્ડિયા, અમેરિકન એક્સપ્રેસ, હેવલેટ પેકાર્ડ, આઈબીએમ, જેપી મોર્ગન ચેઝ, એડોબ સિસ્ટમ્સ ઇન્કોર્પોરેટેડ, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન, કોગ્નિઝન્ટ, ઓરેકલ વગેરે કંપનીઓ ભારતમાં ધૂમ કમાણી કરે છે અને આટલાં વરસોમાં ભારત તેનો વિકલ્પ ઉભું કરી શક્યું નથી.
ભારતના ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર પર જાપાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓની પકડ છે. કોઈને માન્યામાં નહીં આવે પણ ભારતમાં કુલ ૧,૩૦૫ જાપાની કંપનીઓ નોંધાયેલી છે અને પોતાનો માલ વેચે છે. જાપાનની સુઝુકી, હોન્ડા, સોની, પેનાસોનિક વગેરે બ્રાન્ડ્સ ભારતમાં છવાયેલી છે. આ બ્રાન્ડ્સ મુખ્યત્વે ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં છે પણ એ સિવાય બીજાં ક્ષેત્રોમાં પણ જાપાની કંપનીઓની બોલબાલા છે જ. હિટાચી, મિત્સુબિશી, તોશિબા, કેનન, ટોયોટા, યામાહા વગેરે જાપાની કંપનીઓ અલગ અલગ ક્ષેત્રોમાં બહુ મોટો માર્કેટ શેર ધરાવે છે. કોરિયાની સેમસંગ, એલજી, હ્યુન્ડાઈ વગેરે કંપનીઓ પણ ભારતમાં મોટો માર્કેટ શેર ધરાવે છે. હવે કિયા સહિતની ઓટો કંપનીઓ પણ ભારતમાં કાઠું કાઢી રહી છે. ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સમાં ભારતીય કંપનીઓની હાજરી છે પણ ટાટા જેવી ગણીગાંઠી કંપનીઓને બાદ કરતાં બીજી કોઈ કંપનીનો કોઈ પ્રભાવ જ નથી.
ટેકનોલોજીમાં ભારત વિદેશ પર જ અવલંબિત છે.
જર્મની ટેકનોલોજી જાયન્ટ છે તેથી સામાન્ય લોકો માટેની પ્રોડક્ટ્સ બહુ બજારમાં નથી દેખાતી પણ ભારતમાં મોટી કંપનીઓ જર્મની પર વરસોથી નિર્ભર છે. ક્રુપ એજી અને ડેમેગ કંપનીએ ૧૯૫૦ના દાયકામાં રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી હતી, બોશે ૧૯૫૩ માં સ્પાર્ક પ્લગ બનાવવા માટે તેનું પહેલું યુનિટ સ્થાપ્યું હતું ને એ પછી તો સિમેન્સ, બેયર, ડેમલર-બેન્ઝ સહિતની કંપનીઓની લાઈન જ લાગી ગઈ.
અત્યારે બીએમડબલ્યુ, ફોક્સવેગન, એસએપી, સિમેન્સ એજી અને મર્ક જેવી મોટી કંપનીઓ ભારતમાં પ્લાન્ટ નાખીને બેઠી છે અને પોતાની પ્રોડક્ટ્સ વેચે પણ છે. જર્મનીનો પ્રભાવ એ હદે છે કે, ભારતમાં ૧,૬૦૦ થી વધુ જર્મન કંપનીઓ કામ કરે છે અને ૬૦૦ થી વધુ ભારત-જર્મન સંયુક્ત સાહસો કાર્યરત છે.
મોદી સરકારે મોટા ઉપાડે સ્માર્ટ સિટીઝ અને એરપોર્ટનાં કામ હાથ ધર્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં મોટા પાયે જર્મન કંપનીઓ મદદ કરી રહી છે. આ્ર સિવાય પ્રિન્ટિંગ સહિતનાં કોઈ પણ ઉત્પાદન સેક્ટરમાં મોટા ભાગે જર્મન મશીનરી જ વપરાય છે તેથી ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર તો સંપૂર્ણપણે જર્મની પર જ નિર્ભર છે.
ફ્રાન્સ પણ ભારતમાં મોટો ધંધો કરે છે. ભારતમાં ડિફેન્સના સાધનો રશિયા, અમેરિકા અને ફ્રાન્સ પાસેથી આવે છે પણ ફ્રાન્સ વધારે મદદ કરે છે. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રે મેક-ઇન-ઇન્ડિયા પહેલને કારણે ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાની વાતો કરે છે પણ વાસ્તવમાં આ આત્મનિર્ભરતા ફ્રાન્સની મદદને આભારી છે.
રફાલ ફાઈટર જેટથી માંડીને સ્કોર્પિન સબમરીન સુધીના ઉત્પાદનો આપણે સીધા ફ્રાન્સ પાસેથી ખરીદીએ છીએ પણ બીજા ઘણા સાધનો ફ્રાન્સની મદદથી બને છે. આ તો ભારતમાંથી તોતિંગ બિઝનેસ કરતા દેશોની વાત કરી પણ બીજા દેશોની કંપનીઓ પણ ભારતમાં ભરપૂર બિઝનેસ કરે છે. યુએઈ જેવા નાના દેશોની કંપનીઓનો પણ ભારતમાં પગપેસારો છે.
ચીનની કંપનીઓ ભારતમાં સીધો ધંધો કરતી નથી પણ મોદી જે સ્વદેશીની વાત કરે છે તેના માટે ભારત ચીન પર નિર્ભર છે. ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગો ચીનના કાચા માલ પર નિર્ભર છે તેથી આ કંપનીઓ આપણને સ્વદેશીના નામે જે માલ આપે છે એ પણ સંપૂર્ણપણે સ્વદેશી તો નથી જ.
મોદીએ પહેલાં પણ સ્વદેશીની આહલેક જગાવેલી.
નરેન્દ્ર મોદીએ ૧૨ મે – ૨૦૨૦ના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ૨૦ લાખ કરોડનું જંગી આર્થિક પેકેજ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ જાહેર કર્યું હતું. એ વખતે પણ મોદીએ એ વાત પર ભાર મૂકેલો કે, આર્થિક મોરચે આપણે હવે આત્મનિર્ભર બનવું પડશે. મોદીએ એ વખતે સ્પષ્ટ રીતે ‘સ્વદેશી’ શબ્દ નહોતો વાપર્યો પણ તેમની અપીલ લોકોને સ્વદેશી તરફ વાળવા માટેની જ હતી.
મોદીનો ઉદ્દેશ સારો હતો અને સાચી દિશાનો હતો પણ તેનાં ધાર્યાં પરિણામ મળ્યાં નથી એ પણ વાસ્તવિકતા છે. તેનું કારણ એ છે કે, ભારતમાં વરસોથી જામી ગયેલી વિદેશી કંપનીઓને ટક્કર આપીને નમાવી શકે એવી કંપની જ નથી. ભારતની આ નબળાઈનું શ્રેષ્ઠ ઉદાહરણ એફએમસીજી માર્કેટ પર વિદેશી કંપનીઓનો કબજો છે.
ભારતમાં જ નહીં પણ દુનિયાના કોઈ પણ દેશમાં સૌથી મોટું બજાર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું હોય છે. રોજેરોજ અથવા ચોક્કસ સમયાંતરે જે ચીજોની જરૂર પડે, અને જે ચીજ એક વાર વપરાય પછી ઉપયોગમાં લેવા જેવી ના રહે એ ચીજો એફએમસીજી કેટેગરીમાં આવે. ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, કોલ્ડ્રિંક્સ વગેરે ઢગલાબંધ ચીજો એફએમસીજી કહેવાય છે.
ભારતમાં ૧૫૦ કરોડની વસતી હોવાથી દુનિયામાં કોઈ દેશ પાસે નથી એટલું તોતિંગ એફએમસીજી બજાર ભારત પાસે છે. આ બધી ચીજો થોકબંધ પ્રમાણમાં વપરાય છે ને તેમનો ધંધો ધમધોકાર ચાલે છે.
આ ચીજો બનાવવા માટે બહુ મોટા જ્ઞાન કે ટેકનોલોજીની જરૂર નથી. એફએમસીજી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે કાર કે કોમ્પ્યુટરની જેમ અબજો રૂપિયા સંશોધન પાછળ ખર્ચવા નથી પડતા છતાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ, હિંદુસ્તાન લીવર સહિતની મૂળ વિદેશી કંપનીઓ એફએમસીજી માર્કેટમાં રાજ કરે છે. ભારતની પોતાની કહેવાય એવી કોઈ મોટી કંપની એફએમસીજી માર્કેટમાં નથી.
ભારતે આ સ્થિતી બદલવી પડે.
મોદી સરકારે સ્વદેશી અપનાવવી હોય તો દરેક ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને ટક્કર આપે એવી મજબૂત ભારતીય કંપનીઓ ઉભી કરવી પડે. મોદીએ એ માટે જ જંગી પેકેજ જાહેર કરેલું પણ એ રૂપિયા ચવાઈ ગયા એ જોતાં સ્વદેશીનો પ્રભાવ વધારવા સૌથી પહેલાં આ ભ્રષ્ટાચાર રોકવો પડે. sanjogpurti@gmail.com