ભારતમાં ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ ?
ઓસ્ટ્રેલિયાની સરકારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો અમલી બનાવ્યો તેના પગલે આખી દુનિયામાં આ મુદ્દો ચર્ચામાં છે. ભારતમાં પણ આ મુદ્દાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને જેમ બને તેમ ઝડપથી આ અંગેનો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.
એસ. વિજયકુમાર નામના વકીલે એક જાહેર હિતની અરજી PIL કરીને રજૂઆત કરી હતી કે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળકોના જાતિય શોષણ તથા દુર્વ્યવહારને લગતું કન્ટેન્ટ થોકબંધ પ્રમાણમાં પિરસાઈ રહ્યું છે. તેના કારણે બાળકોમાં વિકૃત્તિઓ વધી રહી છે અને અપરાધ પણ વધી રહ્યા છે. આ દૂષણને રોકવા માટે દેશના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ ISPને આદેશ અપાય કે, ઈન્ટરનેટમાં પેરેન્ટલ વિન્ડો સુવિધા ફરજિયાત કરે. મતલબ કે, બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે ત્યારે કોઈ પણ કન્ટેન્ટ જુએ એ પહેલાં માતા-પિતા કે વાલીની મંજૂરી ફરજિયાત કરાય જેથી તેમને ખબર પડે કે પોતાનાં સંતાનો શું જોઈ રહ્યાં છે અને અશ્લીલ તથા વાંધાજનક કન્ટેન્ટથી બાળકોને દૂર રાખી શકાય.
જસ્ટિસ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચે આ મતને માન્ય રાખ્યો છે. સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે, સરકાર વાંધાજનક વેબસાઈટ્સને બ્લોક કરે જ છે પણ હાઈકોર્ટનો સ્પષ્ટ મત છે કે, માત્ર વેબસાઈટ બ્લોક કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. ખરાબ કન્ટ ધરાવતી વેબસાઈટ્સ વેબ એડ્રેસ એટલે કે ેંઇન્ સતત બદલીને પણ પોતાના ગોરખધંધા ચાલુ રાખે છે. આ સંજોગોમાં વધારે આકરાં નિયંત્રણો જરૂરી છે અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વયમર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.
હાઈકોર્ટે તો નવો કાયદો અમલમાં ના આવે ત્યાં સુધી, કેન્દ્ર અને રાજ્ય સરકારો સોશિયલ મીડિયાના જોખમો વિશે માતા-પિતા અને બાળકોને શિક્ષિત કરવા માટે મોટા પાયે ઝુંબેશ ચલાવે એવો આદેશ પણ આપ્યો છે. નેશનલ ચાઈલ્ડ રાઈટ્સ કમિશન (એનસીઆરસી) એ માટેની રૂપરેખા તૈયાર કરે એવું ફરમાન પણ હાઈકોર્ટે કર્યું છે.
ભારતમાં સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય છે ?
આ મુદ્દો લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર નિયંત્રણોની તરફેણ પણ લાંબા સમયથી થઈ રહી છે પણ ભારતમાં એ શક્ય નથી બનતું. તેનું કારણ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને વિદેશો ને તેમાં પણ ખાસ તો અમેરિકા પરની આપણી નિર્ભરતા છે. માનો કે કાયદો બને તો પણ ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બનાવવાની તો આપણી તાકાત જ નથી.
દુનિયામાં છવાયેલાં મોટા ભાગનાં સોશિયલ મીડિયા અમેરિકાનાં છે. રશિયા અને ચીન જેવા દેશોને બાદ કરતાં બાકીના દેશોમાં અમેરિકન સોશિયલ મીડિયા જ ચાલે છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે સોશિયલ મીડિયા અમેરિકન છે. ભારતમાં વોટ્સએપ અત્ર, તત્ર, સર્વત્ર છે અને મેસેન્જર સર્વિસમાં તો બીજો કોઈ વિકલ્પ જ નથી. વોટ્સએપ પણ અમેરિકન છે. વિશ્વમાં અમેરિકન સોશિયલ મીડિયાને ટક્કર આપે એવું એક માત્ર પ્લેટફોર્મ ચીનનું ટિકટોક છે પણ ભારતમાં એ પ્રતિબંધિત છે. મેસેન્જર સર્વિસમાં રશિયાએ બનાવેલું અને હવે દુબઈમાં હેડક્વાર્ટર ધરાવતું ટેલીગ્રામ વૈશ્વિક સ્તરે છવાયેલું છે પણ ભારતમાં વોટ્સએપની બોલબાલા છે.
ભારતમાં અમેરિકન કંપનીઓએ પગપેસારો કર્યો તેનું કારણ એ કે, ડિજિટલ ટેકનોલોજીના મામલે ભારત બોડી બામણીનું ખેતર છે. ભારતમાં સોશિયલ મીડિયા નિયંત્રણ હોય કે ડેટા પ્રોટેક્શન, કોઈ કાયદો જ નથી. આ દેશમાં ન્યુઝ વેબસાઈટ્સથી માંડીને યુ-ટ્યુબ ચેનલો સુધીનું બધું કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વિના જ ચાલે છે. બીજું બધું તો છોડો પણ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા વેચવાનો ધંધો ધમધોકાર ચલાવે છે પણ તેને પણ સરકાર રોકી શકતી નથી.
ભારતમાં ૨૦૧૫માં૧૪ કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. અત્યારે ૩૫ કરોડ લોકો કરે છે અને ૨૦૨૬માં વધીને ૫૦ કરોડ હશે. દુનિયામાં સૌથી વધારે સોશિયલ મીડિયા યુઝર્સ ભારતમાં છે પણ આ યુઝર્સના અધિકારોના કે પ્રાઈવસીના રક્ષણ માટે કોઈ કાયદો બનાવાયો જ નથી. તેના કારણે ફેસબુક, વોટ્સએપ, ટિ્વટર સહિતનાં તોતિંગ સોશિયલ મીડિયા માટે ભારત ખુલ્લુ મેદાન છે. રાજકારણીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કુપ્રચાર ચલાવીને રાજકીય રોટલો શેકવા માટે અને સત્તા માટે કરે છે એ પણ એક કારણ છે.
મોદી સરકારે ભૂતકાળમાં ડેટા પ્રોટેક્શનનો કાયદો બનાવીને તેમને નાથવાની કોશિશ કરી પણ ફાવી નથી
કેમ કે અમેરિકાનું જોરદાર દબાણ હોય છે. છેલ્લા સાત-આઠ વર્ષથી આ કાયદો બનાવવાની વાતો ચાલે છે, સોશિયલ મીડિયા પર નિયંત્રણોની વાતો ચાલે છે પણ કશું થતું નથી કેમ કે અમેરિકા સામે શિંગડાં ભરાવવાની આપણી તાકાત નથી.
હમણાં સંચાર સાથી એપના મામલે આ વાત સાબિત થયેલી જ છે. મોદી સરકારે તમામ મોબાઈલ ફોન ઉત્પાદકોને ફરમાન કરેલું કે, તેમણે હવેથી દરેક મોબાઈલમાં સંચાર સાથી પહેલેથી ઈન્સ્ટોલ કરવી ફરજિયાત છે. એપલ સહિતની કંપનીઓએ તેની સામે વાંધો લઈને આ વાત પોતે નહીં માને એવું જાહેર કરી દીધું. મોદી સરકારે આ નાફરમાની સામે કોઈ પગલાં તો ના જ લીધાં પણ કંપનીઓ સામે ઘૂંટણિયે પડીને ફરમાન પાછું લઈ લીધું. મોબાઈલ ઉત્પાદક કંપનીઓ સામે ઝૂકી જનારી સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નમાવી શકે એવી આશા જ કઈ રીતે રાખી શકાય ?
ભારતમાં ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બને તો પણ તેનો ચુસ્ત અમલ શક્ય છે ?
આ સવાલનો જવાબ પણ નકારમાં જ આપવો પડે.
ઓસ્ટ્રેલિયાની સરકારે ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ૧૬ વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સને તેમની સેવાઓ બંધ કરવા ફરમાન કર્યું છે. તેના કારણે ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોનાં બધાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ ગયાં છે અને યુવા યુઝર્સ લોગ ઈન નથી કરી શકતાં. લોગ ઈન ના કરી શકે એટલે પોતાના વીડિયો, પોસ્ટ મૂકી ના શકે કે જોઈ ના શકે. બાળકો લોગ ઈન કર્યા વિના સોશિયલ મીડિયા પરનું જાહેર કન્ટેન્ટ જોઈ શકે પણ એકાઉન્ટ ના રાખી શકે તેથી સોશિયલ મીડિયાના માધ્યમથી પિરસાતું વાંધાજનક કન્ટેન્ટ બાળકો સુધી પહોંચતું બંધ થઈ ગયું છે.
આ કાયદાની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, બાળકો કે માતા-પિતાને સજાની જોગવાઈ નથી પણ તમામ જવાબદારી માત્ર પ્લેટફોર્મ્સની છે. સોશિયલ મીડિયા યુઝર ટીનેજર નથી એ જોવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નાંખી દેવાઈ છે કે જેથી એ લોકો ગમે તે બહાનાં કાઢીને છટકી ના શકે. તમામ પ્લેટફોર્મ્સે યુઝરની ઉંમરની ચકાસણી માટે જડબેસલાક વ્યવસ્થા કરવી પડે છે અને ચૂક થઈ તો લગભગ ૫ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ૩૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. અબજોની કમાણી કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે પણ આ દંડ બહુ આકરો છે તેથી કોઈ પ્લેટફોર્મ જરાય ચૂક કરે જ નહીં. ચૂક થાય તો ઓસ્ટ્રેલિયાની સરકાર તાળું લગાવી દે તેની પણ પ્લેટફોર્મ્સને ખબર છે.
સૌથી પહેલાં તો ભારતમાં કંપનીઓને દંડ થાય એવો કાયદો જ ના બને. કાયદો બને તો તેમાં એટલા છિંડા રખાય કે, કંપનીઓ આરામથી છટકી શકે. આપણે ત્યાં ન્યાયતંત્રની માયાજાળ પણ ભારે છે તેથી દંડ થાય તો કંપની કોર્ટમાં જઈને વરસો સુધી મામલાને અટવાવી દે, કંપનીઓ પાસે તોતિંગ નાણાં છે ને આપણું ન્યાયતંત્ર પણ સાબૂત નથી તેથી પોતાની તરફેણમાં ચુકાદો પણ લઈ આવે એ જોતાં ભારતમાં ચુસ્ત અમલ શક્ય જ નથી.
sanjogpurti@gmail.com











































