ભારતમાં એનર્જી લોકડાઉન આવશે ?
અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર કરેલા આક્રમણના પગલે મિડલ ઈસ્ટમાં ભારે તણાવ છે. તેની સૌથી મોટી અસર ક્રુડ ઓઈલના પુરવઠા પર પડી છે કેમ કે મિડલ ઈસ્ટના દેશો દુનિયામાં સૌથી વધારે ક્રુડ ઉત્પાદન કરે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી દેતાં ક્રુડ ઓઈલ લઈને આવતાં જહાજો અટવાઈ ગયાં છે. તેના કારણે દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલની અછત પેદા થઈ ગઈ છે.
ભારતમાં નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના સંગ્રહની પૂરતી વ્યવસ્થા કરી હોવાથી ભારતમાં સામાન્ય લોકોને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ હજુ તો સરળતાથી મળે છે પણ ભારતના જ પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તો પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વેચાણ અને વપરાશ પર નિયંત્રણો લાદવાં પડ્યાં છે.
યુદ્ધ લંબાય તો ભારતમાં પણ સ્થિતી ખરાબ થઈ શકે છે એવું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સંસદમાં સ્વીકાર્યું છે તેથી ભારતમાં પણ ફફડાટ છે જ અને ભારતમાં લોકડાઉન આવશે કે શું એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
લોકડાઉન શબ્દ સાથે જ કોને કોરોનાકાળની યાદ આવી જાય છે. કોરોના કાળ વખતે લોકડાઉન લાદીને લોકોએ ફરજિયાત ઘરમાં જ રહેવું પડે એવો નિર્ણય સરકારે લેવો પડેલો. અત્યારે એવી સ્થિતી નથી તેથી લોકડાઉનની શક્યતા નથી પણ એનર્જી લોકડાઉન ચોક્કસ આવી શકે છે. ઘણા દેશોએ પેટ્રોલ-ડીઝલ, ગેસ અને વીજળી બચાવવા માટે પ્રતિબંધો લાદ્યા છે ને ભારતમાં પણ એ પ્રકારનાં નિયંત્રણો કે પ્રતિબંધો આવી શકે છે.
એનર્જી લોકડાઉન આવે તો શું થાય તેની શક્યતાઓ ઘણી બધી છે. ટુ-વ્હીલર્સને મહિનામાં ૧૦ લિટર ને ફોર વ્હીલરને ૫૦ લિટર જ પેટ્રોલ મળે એવા નિયમો અમલી બની શકે છે. એકલી વ્યક્તિ કાર લઈને ના નિકળી શકે કે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પોતાનાં વાહનોને બદલે ફરજિયાત પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જ આવે એવો નિયમ પણ આવી શકે છે.
સરકારી વાહનોમાંથી ૫૦ ટકાને ગેરેજમાં મૂકીને ક્લાસ વન અધિકારી સિવાય કોઈ કાર ના વાપરી શકે ને મંત્રી પોતાના કાફલામાં પોતાના સિવાય એકથી વધારે કાર લઈને ના જઈ શકે એવો નિયમ પણ આવી શકે. દિવસમાં અમુક કલાક લાઈટ બંધ રહે કે ઉદ્યોગોને દિવસમાં અમુક કલાક વીજળી ના મળે એવો નિયમ પણ આવી શકે છે.
દુનિયાના સંખ્યાબંધ દેશોએ સમય વર્તીને આ નિયમો અમલી બનાવ્યા છે. ભારતને તો કરકસરની વધારે જરૂર હોવાથી ભારતમાં પણ આવા નિયમો આવી શકે છે.
દુનિયાએ ૧૯૭૦ના દાયકામાં બે વાર એનર્જી લોકડાઉન જોયું હતું.
અલબત્ત એ વખતે લોકડાઉન શબ્દ પ્રચલિત નહોતો તેથી એનર્જી લોકડાઉન શબ્દોનો પ્રયોગ નહોતો થયો પણ દુનિયાના તમામ વિકસિત દેશોમાં પેટ્રોલીયમ પેદાશોના ઉપયોગ પર નિયંત્રણો આવી ગયાં હતાં.
આ દાયકામાં દુનિયાએ સૌથી પહેલાં ૧૯૭૩માં યોમ કિપ્પુર યુધ્ધ એટલે કે આરબ વર્સીસ ઈઝરાયલ યુધ્ધના કારણે પહેલું એનર્જી લોકડાઉન જોયું. રમઝાન યુધ્ધ તરીકે પણ જાણીતું આ યુધ્ધ ૬ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર ૧૯૭૩ દરમિયાન ઇઝરાયલ અને
ઈજિપ્ત સીરિયાના લશ્કર વચ્ચે લડાયું હતું.
ઈજિપ્ત -સીરિયાના પડખે આરબ રાજ્યોનું ગઠબંધન હતું અને સાઉદી અરેબિયા, જોર્ડન, લિબિયા, ઈરાક, અલ્જીરિયા, કુવૈત, ટ્યુનિશિયા સહિતના દેશો આ ગઠબંધનમાં હતા. સામે ઈઝરાયલ એકલું હતું પણ અમેરિકાની મદદથી ઈઝરાયલે આરબોને હરાવી દીધા હતા.
બીજી વખત એનર્જી લોકડાઉન ૧૯૭૯માં ઈરાનમાં અમેરિકાના પીઠ્ઠુ શાહને હટાવીને શિયા કટ્ટરવાદીઓએ ક્રાંતિ કરી ત્યારે સર્જાઈ હતી. ઈરાનની અંધાધૂંધીના કારણે ક્રુડનો પુરવઠો ખોરવાતાં પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થતાં નિયંત્રણો લાદવાં પડેલાં.
ભારતમાં એ વખતે ખાનગી વાહનો બહુ ઓછા પ્રમાણમાં હતાં તેથી ક્રુડની જરૂરીયાત સાવ ઓછી હતી. ભારતમાં સરકારી વાહનો મોટા ભાગે પેટ્રોલ-ડીઝલ વાપરતાં તેથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કર્યા વિના કરકસર કરીને કામ ચલાવી લેવાયેલું પણ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં હાલત બગડી ગઈ. પેટ્રોલિયમની અછત ઉભી થતાં ભાવમાં જોરદાર વધારો થઈ ગયો હતો.
અમેરિકા અને યુરોપના દેશોમાં સ્થિતિ એકદમ બગડી જતાં પેટ્રોલનું રેશનિંગ કરવું પડ્યું હતું. લોકો મનફાવે એટલું પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકતાં નહોતા. ગાડીઓની નંબર પ્લેટ જોઈને ઓડ-ઈવન મુજબ એક અઠવાડિયે ઓડ નંબરની કારોને ને બીજે અઠવાડિયે ઈવન નંબરની કારોને પેટ્રોલ કે ડીઝલ મળતું. ગેસ સ્ટેશન એટલે કે પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો લાગતી હતી.
યુરોપિયન દેશોમાં રવિવારે ખાનગી ગાડીઓ ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેના કારણે રવિવારે રસ્તા સૂમસામ રહેતા. કામ હોય તો લોકો સાયકલ લઈને કે પગપાળા જતા. સરકારે ગાડીઓની સ્પીડ લિમિટ ઘટાડી દીધી હતી કે જેથી ઓછું ફ્યુઅલ વપરાય. ઓફિસોએ જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરજિયાત કરી દેવાયું હતું. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં દુનિયાભરમાં મોંઘવારી વધી ગઈ હતી. એ પછી મોંઘવારી સતત વધતી જ રહી.
ભારતમાં એનર્જી લોકડાઉનની જરૂર છે ?
હા, ભારતમાં એનર્જી લોકડાઉનની જરૂર છે જ અને તકનો લાભ લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કામચલાઉ નહીં પણ કાયમી ધોરણે એનર્જી લોકડાઉનની લાદી દેવું જોઈએ. ઈરાન યુધ્ધના કારણે ક્રુડનો કકળાટ છે જ તેથી મોદી સરકાર માટે લોહા ગરમ હૈ, માર દો હથોડા જેવો ઘાટ છે. આ વાત કેટલાંકને આકરી લાગશે પણ એનર્જી લોકડાઉન દેશહિતમાં છે અને લાંબા ગાળે તેનો ફાયદો સામાન્ય લોકોને જ મળશે.
એનર્જી લોકડાઉનના કારણે સરકારના માથેથી ક્રુડ ઓઈલની આયાતનો જંગી બોજ પણ ઘટશે, પ્રદૂષણ ઘટશે તેથી લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણ પણ સુધરશે અને પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતી સરકારી તિજોરીનાં નાણાં પણ બચશે. આ નાણાંનો ઉપયોગ વિકાસનાં કામો માટે કરી શકાશે તેથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહેતર થશે અને લોકોની સવલતો વધશે તેથી દેશમાં સુખાકારી પણ વધશે.
ભારત પેટ્રોલ-ડીઝલ માટે બીજા દેશો પર નિર્ભર છે અને દેશની કરવેરાની કમાણીમાંથી મોટા ભાગની કમાણી ક્રુડ ઓઈલની આયાત પાછળ વપરાય છે. કમનસીબે દેશનાં લોકોને તેનું ભાન જ નથી તેથી પેટ્રોલ-ડીઝલના ધુમાડા કર્યા જ કરે છે. બિનજરૂરી કામો પાછળ કે ખાલી ખોટા આંટાફેરા પાછળ ભારતમાં જંગી પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ વપરાય છે. એનર્જી લોકડાઉન લાદીને પેટ્રોલ અને ડીઝલનું રેશનિંગ કરી દેવાય તો તેના પર કામ આવી જશે. જરૂર પૂરતું પેટ્રોલ કે ડીઝલ મળતું હશે તો લોકો કરકસરથી વાપરતાં થશે અને દેશને ફાયદો થશે.
મોદી સરકારે એક બીજો પણ નિયમ લાવવાની જરૂર છે.
સરકારી અને ખાનગી કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ફરજિયાત કરવી એવો નિયમ બનાવવો પડે. ઓફિસની શિફ્ટ પ્રમાણે, કંપની કે સરકારી બસ કંપનીના કર્મચારીઓને લઈ આવે અને શિફ્ટ પૂરી થાય પછી તેમને ઘરે મૂકી આવે.
અત્યારે દરેક કર્મચારી પોતાનું વાહન લઈને આવે છે તેના કારણે પેટ્રોલ કે ડીઝલનો જંગી પ્રમાણમાં ધુમાડો થાય છે એ આ નિયમના કારણે બંધ થઈ જશે. સાથે સાથે કર્મચારીની કાર્યક્ષમતા પણ વધશે કેમ કે પોતાનું વાહન નહીં હોય એટલે ઓફિસમાંથી કામની વચ્ચેથી ગુલ્લી નહીં મારી શકાય. સરકારી તંત્રમાં તો આ મોટી સમસ્યા છે એ જોતાં આ નિયમ અમલી બનાવી દેવો અત્યંત જરૂરી જ છે. કંપની અને સરકારી બંને બસો પણ ઈલેક્ટ્રિક રાખવી ફરજિયાત હોવી જોઈએ કે જેથી એ રીતે પણ પેટ્રોલ-ડીઝલની કરકસર થાય.
ભારતમાં એનર્જી લોકડાઉનની જરૂર સૌથી વધારે સરકારી તંત્રમાં છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધારે ધુમાડો સરકારી તંત્રની ગાડીઓ કરે છે. મંત્રીઓથી માંડીને પટાવાળા સુધીના બધા પ્રજાના પરસેવે જલસા કરે છે. તેના પર પણ નિયંત્રણ આવવું જોઈએ અને દરેક સરકારી વિભાગને દર મહિને ચોક્કસ પ્રમાણમાં જ પેટ્રોલ કે ડીઝલ મળે એવું કરવું જોઈએ. મંત્રીઓ સ્થળ પર જઈને લોકાર્પણ ના કરે પણ ડિજિટલી લોકાર્પણ કરે એવો નિયમ પણ બનાવી દેવો જોઈએ કે જેથી તેમના કાફલા પાછળનો ખર્ચ ઘટે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સિવાય કોઈ ચાર્ટર્ડ પ્લેન લઈને ના ઉડી શકે એવો નિયમ પણ બનાવવો જોઈએ.











































