વરસાદી માહોલમાં ભક્તિનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોલંકી કળાએ ખીલી ઉઠ્યો છે. આગામી ૧થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાઈ રહેલા આ મેળામાં લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારથી દાંતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે.

છેલ્લા ચાર દિવસમાં જ ૨૨ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે, જેમાંથી લાખો પગપાળા યાત્રા કરીને આવ્યા છે. આ મેળો નવરાત્રીના આગમનની પૂર્વ તૈયારી તરીકે પણ મહત્વપૂર્ણ છે, અને દેશભરમાંથી ભક્તો અહીં ઉમડી પડ્યા છે. મેળા દરમિયાન તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો તથા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા, તેમજ સુરક્ષા માટે પોલીસ વિભાગની ચુસ્ત વ્યવસ્થા પણ કાર્યરત છે. વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ભોજન, આરામ અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, અને ૨૭ વિતરણ કેન્દ્રો ઊભા કરાયા છે. પદયાત્રી સંઘો માટે ઓનલાઈન નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં પા‹કગ, ડોમ જેવી વ્યવસ્થાઓ સામેલ છે.

વરસાદી વાતાવરણ વચ્ચે અંબાજી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો ઉમળકો અવિરત જોવા મળી રહ્યો છે. પૂજા-અર્ચના, આરતી તેમજ ભજન-કીર્તનના સ્વરોથી સમગ્ર યાત્રાધામ ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત ૪૦૦ ડ્રોન દ્વારા ભવ્ય લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિરની છબિ, ‘જય માતાજી’ના લખાણ અને શકતીના પ્રતીકો દેખાશે. ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામમાં માઈ ભક્તોની ઉમટતી ભીડ આસ્થા, શકતી અને ભક્તિનો જીવંત પરિચય આપી રહી છે. આ મેળો શ્રદ્ધાળુઓને આધ્યાત્મીક અને સાંસ્કૃતિક અનુભવ આપી, તેમની યાત્રાને યાદગાર બનાવે છે.