ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં જણાવાયું છે કે પત્ની અને સંતાનોને આપવામાં આવતું ભરણપોષણ એટલું વધારે ન હોવું જાઈએ કે તે પત્નીની નિષ્ક્રિયતા ને પ્રોત્સાહન આપે અથવા પતિની આવક અને જવાબદારીઓ કરતા અપ્રમાણસર બને. જસ્ટસ પી.એમ. રાવલે સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ દ્વારા કરાયેલા ભરણપોષણની રકમમાં બમણા વધારાને ગેરવાજબી ગણાવીને તેમાં ઘટાડો કર્યો છે.
આ કેસમાં પતિ તરફથી હાઈકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી. અરજદાર પતિએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટે તેમની પત્નીને માસિક રૂ. ૨,૫૦૦ અને સગીર બાળકને રૂ. ૪,૦૦૦ એમ કુલ રૂ. ૬,૫૦૦ના ભરણપોષણના હુકમમાં કોઈ વાજબી કારણ વિના વધારો કરીને તેને બમણું એટલે કે રૂ. ૧૪,૦૦૦ કરી દીધું હતું. પતિની આવક આઈટી રિટર્ન અનુસાર માસિક રૂ. ૨૫,૯૦૦ છે, અને ફેમિલી કોર્ટના આ હુકમને કારણે તેમને તેમની આવકના ૫૦% ભરણપોષણમાં આપવું પડશે, જે તદ્દન ગેરવાજબી છે. વળી, અરજદાર પર તેમની ૭૬ વર્ષની વયોવૃદ્ધ અને બીમાર માતાના ભરણપોષણની પણ જવાબદારી છે.
ફેમિલી કોર્ટે ભરણપોષણમાં વધારો કરતા જણાવ્યું હતું કે પત્ની કમાતી નથી અને ફુગાવાનો દર વધ્યો છે, તેથી રકમને બમણી કરવી જરૂરી છે. જાકે, હાઈકોર્ટે આને અપૂર્ણ તર્ક ગણાવ્યો અને કહ્યું કે ફુગાવા અને બદલાયેલા સંજાગોને કારણે ભરણપોષણમાં વધારો થઈ શકે છે, પરંતુ તે એટલું વધુ ન હોવું જાઈએ કે તે પત્નીની નિષ્ક્રયતાને પ્રોત્સાહન આપે.
જસ્ટસ પી.એમ. રાવલે તેમના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ભરણપોષણની વ્યવસ્થા પાછળનો સામાજિક ઉદ્દેશ્ય પત્નીની જરૂરિયાતો અને પતિની આવક તથા જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે. તેમણે સુપ્રીમ કોર્ટના એક જૂના ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “પત્નીને આપવામાં આવતું ભરણપોષણ તેને વાજબી જીવનધોરણ જાળવવા માટે હોવું જાઈએ, પરંતુ તે અત્યંત વધુ અથવા વ્યાજબી ન હોવું જાઈએ.”
કોર્ટે નોંધ્યું કે પત્ની એમ.કોમ સુધી શિક્ષિત છે અને તે કમાવવાની ક્ષમતા ધરાવે છે, જાકે તે હાલ કમાતી નથી. તેમ છતાં, પતિની આવકમાં માત્ર થોડો વધારો થયો છે અને તેમની પર વૃદ્ધ માતાની જવાબદારી છે. તેથી, ફેમિલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવીને હાઈકોર્ટે ભરણપોષણની રકમમાં ફેરફાર કર્યો, પત્નીને માસિક રૂ. ૨,૫૦૦ અને સગીર બાળકને રૂ. ૬,૫૦૦ એમ કુલ રૂ. ૧૨,૦૦૦ કરી દીધું.









































