(૧) હવા ખાવાના સ્થળે જવા લોકો પડાપડી કરે છે, પરંતુ દવા ખાવા માટે કેમ લોકો પડાપડી કરતાં નથી?
યોગેશભાઈ આર જોશી (હાલોલઃ જિ.પંચમહાલ)
ત્યાં વારા પ્રમાણે ન જઈએ તો દવાખાનાનો સિક્યુરિટી ગાર્ડ વડકા કરે છે.
(૨) ચાય પતિ અને સામાન્ય પતિમાં શું સમાનતા છે ?
હાફિઝ રિયાઝ સેલોત (રાજુલા)
બાસમતી અને સાબરમતી વચ્ચે છે એટલી સમાનતા.
(૩) તમે લગ્ન પ્રસંગે બુફેમાં થાળી લઈને લાઈનમાં ઉભા હો ત્યારે કેવો અહેસાસ થાય છે ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
એ જ કે આગળવાળા ભાઈ ચોથીવાર લાઈનમાં ઉભા છે હું તો હજી પહેલીવાર જ જોડાયો છું.
(૪) હમણાં એક સિંહે જંગલમાં વાંદરાને લાફો મારી દીધો. શું એવું નથી લાગતું કે ઘોર કળિયુગ આવી ગયો છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે સિંહ વાંદરાને લાફો મારે એ દિવસથી ઘોર કળિયુગ ગણવો?!
(૫) પૈસા કમાઈએ છીએ તો ખૂબ પણ ટકતા નથી; શું કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
પૈસા ભલે ટકે નહિ પણ તમે અટકતા નહિ!
(૬) “સંગ એવો રંગ ” આ મને ખોટું લાગે છે, કારણકે માણસ શિયાળ સાથે નથી રહેતો છતાં પણ લૂચ્ચો છે, વાઘ સાથે નથી રહેતો છતાં પણ ક્રુર છે, અને કૂતરા સાથે રહે છે તો પણ વફાદાર નથી. તો તમારું શું કહેવાનું થાય છે?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન (સાજણટીંબા)
મારું એટલું જ કહેવાનું થાય છે કે ભાઈસાબ, પ્રશ્ન થોડા ટૂંકા પૂછો!
(૭) એવો ક્યો દિવસ છે કે “મા” હસતી હોય અને બાળક રડતું હોય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
વાહ, તમે જનમ્યા એ ક્ષણ તમને હજી યાદ છે?!
(૮) પારો ગરમીનો હોય કે ઠંડીનો પણ એને તો બિચારાને નવરાશ જ નહીં ને?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
થર્મોમીટરને ચૂલા પર મૂકી દો. કાચ તોડી પારો બારો નીકળી જશે પછી તમારે અને પારાને બેયને એયને.. નવરાશ!
(૯) તમે બધાને જવાબ આપો છો તમારે કોઈ પ્રશ્ન હોય તો મને પુછજો.
કોબાડ ભગવાન એસ. (મોટા સરાકડિયા)
મારે કાકા મટીને ભત્રીજા નથી થાવું!
(૧૦) સલુનમાં હંમેશા ફ્લોર પર વાળ હોય અને ગેરેજમાં હંમેશા ઓઇલ હોય તો બેન્કોમાં કેમ આવું નહીં થતું હોય?
આસિફ કાદરી (રાજુલા)
સલુન અને ગેરેજવાળા લોન નથી આપતા.
(૧૧) આપણી સંસ્કૃતિમાં કાગડાને મહત્વનો હોદ્દો આપેલ છે પણ તેના વિશે કોણે ખરાબ નિવેદન કરેલું કે તે આપણને છોડીને જતા રહ્યા?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
શ્રાદ્ધ પક્ષ આવી રહ્યો છે. કોઈ કાગડો જોવા મળશે તો તમારું સરનામું આપી દઈશ. તમે ડાયરેક્ટ એને જ પૂછી લેજો.
(૧૨) બેસણામાં હસાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
લગ્નમાં રડાય તો બેસણામાં હસાય.
(૧૩) ભાગવત સપ્તાહ બેસાડવી છે. તમે વાંચી દેશો?
રામભાઈ પટેલ (સુરત)
તમે એ સ્પષ્ટતા નથી કરી કે સપ્તાહ તમારા ઘેર બેસાડવી છે કે તમારામાં!
(૧૪) હું અત્યારે અગાશીમાં છું અને ઠેકડા મારવાનું મન થયું છે. મારું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
પહેલા ઇ કહો કે સામેની અગાશીમાં કોણ ઉભુ છે?!
(૧૫) આપણે રોડ પર ગાડી લઈને જતા હોઈએ અને વચ્ચે પાકો રોડ આવી જાય તો ગાડી ધીરે ચલાવવી કે ફાસ્ટ ચલાવવી?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
ગાડીને જ કહી દેવું કે તારે હાલવું હોય એમ હાલ આમાં મારી કાઈ જવાબદારી નહિ!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..