જિલ્લાના ગરબાડા પોલીસ મથકની ટીમે બુટલેગરોના નવા કીમિયાને નિષ્ફળ બનાવ્યો છે. ખેડૂતના ટ્રેક્ટરમાં ઘાસચારાની આડમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલી ૧૯૨૦ વિદેશી દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે. આ સાથે ટ્રેક્ટર-ટોલી સહિત કુલ ૭ લાખ ૬૪ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગરબાડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ જમાદાર શૈલેષભાઈ અમલીયાર અને તેમની ટીમ ગરબાડા વિસ્તારમાં બુટલેગરો અને નશાના તસ્કરોને પકડવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી કે ગરબાડાના ચંદલા ગામ પાસે પાસિયા રસ્તા પર એક ટ્રેક્ટરમાં ઘાસચારાની નીચે છુપાવીને મોટો જથ્થો વિદેશી દારૂ મધ્યપ્રદેશથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે ગુપ્ત નિરીક્ષણ અને વોચ ગોઠવી હતી. ટ્રેક્ટર આવતાની સાથે જ તેને રોકીને તપાસ કરવામાં આવી. ઘાસચારાની નીચે છુપાવેલી ૧૯૨૦ બોટલ વિદેશી દારૂ મળી આવી. બજારમાં આ દારૂની કિંમત ૩ લાખ ૬૪ હજાર ૮૦૦ રૂપિયા થાય છે. ટ્રેક્ટર અને ટોલીની અંદાજિત કિંમત ૪ લાખ રૂપિયા મૂલ્યની છે. આમ કુલ ૭ લાખ ૬૪ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી હિતેશભાઈ જશુભાઈ ભાભોર (રહે. નઢેલાવ) સામે ગરબાડા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ગરબાડા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા સમયમાં બુટલેગરો ખેડૂતોની જેમ ટ્રેક્ટર-ટોલીમાં ઘાસચારા, લાકડા, ખેતરની શાકભાજી જેવી વસ્તુઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આવા નવા-નવા કીમિયા અજમાવવામાં આવે છે, પરંતુ ગરબાડા પોલીસ સતત સક્રિય છે અને આવા તત્વોને પકડવા માટે બાતમી આધારિત કાર્યવાહીઓ તેમજ પેટ્રોલિંગ વધારી રહી છે.