મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) માં મેયર અને ડેપ્યુટી મેયર પદોની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વખતે બીએમસી મેયરની ચૂંટણી નિર્વિવાદ રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) મેયર અને ડેપ્યુટી મેયર પદો માટે પોતાના ઉમેદવારો ઉભા રાખવાનું ગંભીરતાથી વિચારી રહી છે.
બીએમસીમાં મેયર અને ડેપ્યુટી મેયર પદો માટેની ચૂંટણીઓ ૧૧ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યે યોજાશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૭ ફેબ્રુઆરી છે. બીએમસી વહીવટીતંત્રે ચૂંટણી પ્રક્રિયા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હાલમાં, મહાયુતિ (ભાજપ-શિવસેના-શિંદે જૂથ -એનસીપી) પાસે મ્સ્ઝ્ર માં કાઉન્સિલરોની સ્પષ્ટ બહુમતી છે. તેથી, રાજકીય ગણતરીઓની દ્રષ્ટિએ, મહાયુતિના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી સરળ માનવામાં આવે છે. આમ છતાં, શિવસેના (યુબીટી) દ્વારા ચૂંટણી લડવાનો નિર્ણય ફક્ત સંખ્યાત્મક તાકાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને રાજકીય સંદેશ અને વૈચારિક લડાઈ તરીકે જાવામાં આવી રહ્યો છે.
મેયરપદની ચૂંટણી અંગે આજે બપોરે માતોશ્રી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિવસેના (યુબીટી) મુંબઈના ધારાસભ્યો અને કેટલાક અગ્રણી કાઉન્સિલરો હાજર રહેશે. પાર્ટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. બીએમસીમાં શિવસેના (યુબીટી) જૂથના નેતા કિશોરી પેડનેકરે વ્હીપ જારી કર્યો. શિવસેના (યુબીટી)ના તમામ કાઉન્સિલરોને ૧૧ ફેબ્રુઆરી સુધી મુંબઈ ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેયરપદની ચૂંટણી ૧૧ ફેબ્રુઆરીએ યોજાવાની છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે શિવસેના (યુબીટી) નું આ પગલું મુંબઈના રાજકારણમાં તેની હાજરી અને વૈચારિક દાવાને જાળવી રાખવાની રણનીતિનો ભાગ હોઈ શકે છે.બીએમસીને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે, અને પાર્ટી મેયરની ચૂંટણીને પ્રતીકાત્મક સ્પર્ધા તરીકે જાઈ રહી છે. જા શિવસેના (યુબીટી) ઉમેદવાર ઉતારે છે, તો આ ચૂંટણી ફક્ત ઔપચારિકતા અને રાજકીય શક્તિ પ્રદર્શન કરતાં વધુ બની શકે છે. આનાથી આગામી દિવસોમાં મુંબઈના રાજકારણમાં તણાવ અને નિવેદનબાજી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવે બધાની નજર માતોશ્રી ખાતેની બેઠક અને ત્યારબાદની સત્તાવાર જાહેરાત પર છે.