બિહાર કેબિનેટે મંગળવારે ‘આગામી પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓ અને રોજગારની તકો’ના પ્રસ્તાવને મંજૂરી આપી. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં શ્રમ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ અંગે શક્યતાઓ શોધવા અને નિર્ણયો લેવા માટે વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં ૧૨ સભ્યોની સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે જાહેરાત કરી હતી કે ‘આગામી પાંચ વર્ષ (૨૦૨૫ થી ૨૦૩૦) માટે, અમે એક કરોડ યુવાનોને સરકારી નોકરીઓ અને રોજગારની તકો પૂરી પાડીને ૨૦૨૦-૨૫ ના લક્ષ્યને બમણું કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ. આ હાંસલ કરવા માટે, ખાનગી ક્ષેત્રમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ નવી નોકરીઓ અને રોજગારની તકો ઉભી કરવામાં આવશે. આ હેતુ માટે, એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે.’
કેબિનેટ બેઠક પછી તરત જ, અધિક મુખ્ય સચિવ (કેબિનેટ સચિવાલય) એસ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ‘રાજ્ય મંત્રીમંડળે મંગળવારે શ્રમ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના હેઠળ આગામી પાંચ વર્ષ (૨૦૨૫-૨૦૩૦) માં રાજ્યના યુવાનોને એક કરોડ નોકરીઓ અને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.’ સરકારે આ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૧૨ સભ્યોની સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. કેબિનેટે વિવિધ વિભાગોના ૩૦ પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે.
બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓનું સર્જન કરશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રોજગાર સરકારી, અર્ધ-સરકારી, ખાનગી ક્ષેત્ર અને સ્વરોજગાર દ્વારા પૂરો પાડવામાં આવશે. કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, સ્જીસ્ઈ અને માળખાગત પ્રોજેક્ટ્‌સ આ લક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે શ્રમ સંસાધન વિભાગના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. શ્રમ સંસાધન વિભાગ અને ઉદ્યોગ વિભાગને આ યોજનાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.
આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટમાં લખ્યું, ‘મને એ જણાવતા આનંદ થાય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને લગભગ ૩૯ લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે અને ૫૦ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ/રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક ચોક્કસપણે પ્રાપ્ત થશે.’
મુખ્યમંત્રીએ કહ્યું કે ‘સાત નિશ્ચય’ કાર્યક્રમ હેઠળ, રાજ્યના યુવાનોને સ્વરોજગારની તકો પૂરી પાડવા માટે કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં, યુવાનોના કૌશલ્ય વિકાસ માટે ‘સાત નિશ્ચય’ હેઠળ ચાલી રહેલા કાર્યક્રમનો વિસ્તાર કરવામાં આવશે. કેબિનેટે મેટ્રો રેલના પ્રાથમિકતા કોરિડોરની જાળવણી માટે રૂ. ૧૭૯ કરોડથી વધુની રકમને પણ મંજૂરી આપી, જે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી પટનામાં કાર્યરત થશે. આ ત્રણ કોચવાળી ટ્રેન મલાહી પાકડી અને ન્યૂ આઇએસબીટી વચ્ચે ૬.૪૯ કિમી લાંબા એલિવેટેડ સેક્શન પર દોડશે. તે શહેરના સૌથી વ્યસ્ત ટ્રાફિક વિસ્તારોમાંના એકને સેવા આપવા માટે રચાયેલ પ્રાથમિકતા કોરિડોર છે.