ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (કેગ)એ બિહારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએવાય-જી) ના અમલીકરણમાં ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો છે. અહેવાલમાં સગીરોને પાકા મકાનો આપવાથી લઈને દિલ્હી અને ઝારખંડમાં સ્થિત મકાનોના જીઓ-ટેગિંગ સુધીના કેસોનો ઉલ્લેખ છે. આ અહેવાલ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે, “નમૂના જિલ્લાઓમાં રેકોર્ડની તપાસ દરમિયાન, ઓડિટમાં અયોગ્ય લાભાર્થીઓને મકાનો મંજૂર કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ મળી આવ્યા હતા. પીએમએવાય-જીમાં સગીરોના નામે મકાન નોંધણી/મંજૂરી આપવાની કોઈ જાગવાઈ નથી.”
તેમાં જણાવાયું છે કે, “કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૭ માં સ્પષ્ટતા કરી હતી કે જા પતિ અને પત્ની બંને મૃત્યુ પામેલા હોય, તો વાલી અથવા બ્લોક/પંચાયત અધિકારી સાથે સંયુક્ત ચકાસણી પછી યાદીમાં દેખાતા સગીર બાળકના નામે ઘર મંજૂર કરી શકાય છે. જાકે, ઓડિટમાં સગીર લાભાર્થીઓના ચાર કેસ મળ્યા.”
રિપોર્ટ મુજબ, બે કિસ્સાઓમાં, સગીરોને તેમના માતાપિતા જીવંત હતા ત્યારે અનિયમિત રીતે ઘર મંજૂર કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે તેમની પાત્રતા યોગ્ય રીતે ચકાસવામાં આવી ન હતી.
આ બે અયોગ્ય સગીર લાભાર્થીઓને પણ ૨.૫૦ લાખ ચૂકવવામાં આવ્યા હતા. જીઓ-ટેગિંગમાં વિસંગતતાઓ અંગે, રિપોર્ટમાં જણાવાયું છે કે, “ઓડિટમાં એવા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં ઘરો તેમના વાસ્તવિક ભૌગોલિક સ્થાન, સંબંધિત જિલ્લા અથવા રાજ્યની બહાર જીઓ-ટેગ કરેલા હતા. ૫૨ કેસોમાં, ઘરોનું સ્થાન રાજ્યની અંદરના વાસ્તવિક સ્થાનથી ઘણું દૂર નોંધાયું હતું. ત્રણ કેસોમાં, દિલ્હી અને ઝારખંડમાં રાજ્યની બહાર ઘરો જીઓ-ટેગ કરેલા હતા, જેનું અંતર ૫૧ કિલોમીટરથી ૯૧૫ કિલોમીટર સુધી હતું.”
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ જૂન ૨૦૧૫ માં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગ્રામીણ ગરીબોને સસ્તા મકાનો પૂરા પાડવા માટેની આ એક મુખ્ય યોજના છે. આ યોજના હેઠળ, કાચા મકાનોમાં રહેતા પરિવારોને સ્વચ્છ રસોડા સહિત મૂળભૂત સુવિધાઓથી સજ્જ પાકા મકાનો પૂરા પાડવામાં આવે છે.







































