ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી ચર્ચામાં આવેલો બિટકોઈન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ આ કેસના મુખ્ય સૂત્રધારો ગણાતા નિકુંજ ભટ્ટ અને સંજય કોટડિયા સહિત કુલ ૧૪ વ્યક્તિ સામે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ સાથે જ કરોડો રૂપિયાના ક્રિપ્ટોકરન્સી લોન્ડરિંગના પર્દાફાશની દિશામાં મોટું ડગલું ભરાયું છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બોગસ એકાઉન્ટ્‌સનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ કૌભાંડમાં અંદાજે ૪૪ કરોડથી વધુની રકમનું મની લોન્ડરિંગ થયું હોવાનો અંદાજ છે. મહત્વની વાત એ છે કે, આ કેસની કડીઓ વર્ષ ૨૦૧૮ ના ચર્ચિત અપહરણ અને ખંડણીના કેસ સાથે સીધી રીતે જાડાયેલી છે. તે સમયે પોલીસ અધિકારીઓ અને વગદાર લોકોના નામ પણ આ બિટકોઈન વિવાદમાં ઉછળ્યા હતા.
ઈડી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને ફરિયાદને ધ્યાને લઈને વિશેષ કોર્ટે તમામ ૧૪ આરોપીઓ સામે કાયદેસરની પ્રોસેસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૧ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ તપાસમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ સામે આવવાની સંભાવના છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી વિદેશમાં નાણાં મોકલવા માટે હવાલા નેટવર્કનો પણ ઉપયોગ થયો હોવાની શંકા છે.