કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન, પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણલક્ષી નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં વર્ષ ૨૦૧૮ થી દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં ‘પોષણ પખવાડિયું’ અને સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ ઊજવવામાં આવે છે. આ મિશનનો હેતુ દરેક નાગરીકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિઘ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પોષણ માસ દરમિયાન મુખ્ય ૬ થીમ પર રાજ્યમાં ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને નાગરીકોને પોષણ અંગે જાગૃત કરવામાં આવશે.૧) સ્થૂળતા અંગે જાગૃતિ- ખાંડ, મીઠું અને તેલના વપરાશ ઘટાડવો,સ્થૂળતા એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે અને તેનાથી બચવા માટે જાગૃતિ કેળવવી અત્યંત આવશ્યક છે. આ માટે, આપણે આપણા આહારમાં ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવું જાઈએ. આ ત્રણેય ઘટકોનો વધુ પડતો ઉપયોગ શરીરના વજનમાં વધારો કરે છે, જેના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જાખમ વધે છે. આ અંગે જનજાગૃતિની પ્રવૃત્તીઓ કરવામાં આવશે.,૨) પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ / પોષણ ભી પઢાઈ ભી.પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણએ બાળકના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. આ કાર્યક્રમ અંતર્ગત ‘પોષણ ભી પઢાઈ ભી’ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહારની સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ બાળકોના શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને સુનિશ્ચિત કરે છે. આ પહેલ હેઠળ, આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રમત-ગમત આધારિત શિક્ષણ અને સંતુલિત આહાર અપાય છે.૩) સંયુકત પગલાં અને ડીઝીટલાઇઝેશન,પોષણની કામગીરી પર સર્વાંગી રીતે Îયાન કેન્દ્રિત કરવા માટે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, પર્યાવરણ જેવા વિભાગો સાથે મળીને કામ કરવામાં આવે છે. સ્થાનિક સંસ્થાઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો (આંગણવાડી, આશા), શાળાઓ અને સમુદાયો સાથે સંકલન કરી આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. ઝડપ અને ચોકસાઈ વધારવા માટે કાગળ આધારિત ડેટાથી મોબાઇલ- એપ્લીકેશન પોષણ ટ્રેકરમાં કામગીરી કરવામાં આવે છે.૪) નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ.નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ બાળકના યોગ્ય વિકાસ અને પોષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જન્મના પહેલા છ મહિના સુધી નવજાત શિશુ માટે ફક્ત માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર છે. ત્યારબાદ છ મહિના પછી  બાળકોને પૂરક આહાર આપવાની શરૂઆત કરવી જાઈએ. આ પ્રથાઓનું પાલન કરવાથી બાળકોને સુપોષીત બનાવી શકાશે. આ પોષણ માસમાં માતા-પિતાને આ બાબતે જાગૃત કરાશે.

૫) બાળકોના પોષણ અને સાર સંભાળમાં પુરૂષોની સહભાગીતા વધારવી,બાળકોના પોષણ અને સાર સંભાળમાં માત્ર માતા જ નહીં પરંતુ પિતા અને પરિવારના અન્ય પુરૂષ સભ્યોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પુરુષોની સક્રિય ભાગીદારી બાળકોના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. આનાથી પરિવારમાં પોષણ અને આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા આવશે અને માતા પરનો ભાર પણ હળવો થશે. પિતા બાળકોની સંભાળ રાખવામાં સહભાગી થાય છે ત્યારે બાળકોમાં સુરક્ષાની ભાવના વધે છે અને તેમનો માનસિક અને ભાવનાત્મક વિકાસ વધુ સારો થાય છે.૬) ‘વોકલ ફોર લોકલ’ – સ્થાનિક ખાદ્ય પદાર્થો અને ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન ‘વોકલ ફોર લોકલ’ એ આત્મનિર્ભર ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પહેલ સ્થાનિક ખાદ્ય પદાર્થો અને પરંપરાગત ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. આપણા દેશમાં દરેક પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પૌષ્ટિક અને સ્વસ્થ આહાર આધુનિક પ્રોસેસ્ડ ફૂડ કરતાં વધુ ફાયદાકારક છે. સ્થાનિક ખોરાકનું સેવન કરવાથી માત્ર શરીરને જ નહીં પરંતુ પર્યાવરણ અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સકારાત્મક પ્રયત્નો અને સમાજના સહયોગથી ‘સ્વસ્થ અને સુપોષિત ગુજરાત’ બનાવવાની દિશામાં પોષણ અભિયાન એક મજબૂત પગલું સાબિત થઈ રહ્યું છે.