રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ પાસે એક યુવકની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવાનના મિત્રને જૂની બારપટોળી ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી બનાવની રાત્રે બંને પ્રેમિકાને મળવા માટે જૂની બારપટોળી ગામ આવ્યા હતા. ત્યારે જ યુવતીના પરિવારજનો સહિતના લોકોએ લાકડી અને પાઈપથી હુમલો કરતા પ્રેમી યુવક ત્યાંથી જીવ બચાવી નાસી છૂટ્યો હતો. પરંતુ, તેની સાથે આવેલો તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નિપજ્યું હતું. રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં રહેતી એકતા લાખણોત્રા નામની યુવતીને નાગભાઈ વણઝર સાથે પ્રેમસંબંધ હતો. બનાવની રાત્રે એકતાએ નાગભાઈને મળવા માટે બોલાવ્યો હતો. જેથી નાગભાઈ તેના મિત્ર મનુભાઈને પણ સાથે લઈ ગયો હતો. મનુ અને નાગભાઈ બંને જૂની બારપટોળી જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં એકતાના પરિવારજનો સહિત અન્ય લોકોએ કાવતરું ઘડી બંને મિત્રો પર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમી યુવક નાગભાઈ તો ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ, મનુભાઈ મકવાણા પર તમામ લોકોએ લાકડી અને પાઈપ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનમાં મૃતક મનુભાઈ મકવાણાના પિતા ભોપાભાઈએ ફરિયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી એકતાબેન હમીરભાઈ લાખણોત્રા, કનુભાઈ બાબુભાઇ લાખણોત્રા, નાગભાઈ વાસુરભાઈ વાઘ સહિત અજાણ્યા ૫ જેટલા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.