અમરેલી જિલ્લા પોક્સો કોર્ટમાં ચાલુ કેસમાં એક મહત્વનો ચુકાદો આવ્યો છે. બાબરા તાલુકાના વાંડળીયા ગામમાં સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નામદાર એડી. સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટ, અમરેલી દ્વારા આરોપી મહેશ મધુભાઇ સાકળીયા (નિવાસી – વાંડળીયા, બાબરા)ને ૨૦ વર્ષની કઠોર કારાવાસની સજા અને રૂપિયા ૧૫,૦૦૦ના દંડની સજા ફરમાવવામાં આવી છે. તપાસ દરમિયાન સાબિત થયું હતું કે આરોપીએ પીડિતાને મીઠી વાતોથી ફોસલાવી લગ્નના નામે પોતાની સાથે લઈ જઇ અપહરણ કર્યું હતું. બાદમાં પીડિતા સગીરા હોવા છતાં તેની સાથે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો આચર્યો હતો. સમગ્ર કેસની પોલીસે ગંભીરતાથી તપાસ કરી હતી અને પૂરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.