બાબરા તાલુકામાં રાજકોટ–ભાવનગર હાઈવે પરથી પસાર થનારા વાહન ચાલકોને રસ્તા પર બેસતા ઢોરને કારણે અકસ્માતોની પરિસ્થિતિ ઊભી થતી હતી. આવી મુશ્કેલી દૂર કરવા બાબરા હરિઓમ ગૌશાળા તથા શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા રીફ્‌લેક્શન રેડિયમ વાળા બેલ્ટ ઢોરના ગળામાં પહેરાવવાનો અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યને ધ્યાનમાં રાખીને બાબરાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજાએ તાત્કાલિક રસ દાખવીને પોતાના અંગત આર્થિક યોગદાનથી ૧,૦૦૦ રેડિયમ બેલ્ટ મંગાવ્યા હતા. આ બેલ્ટ દિલ્હીથી ગૌસેવા ગ્રુપના સભ્ય દ્વારા તાત્કાલિક મંગાવવામાં આવ્યા હતા. ઢોરોને બેલ્ટ પહેરાવવાની કામગીરી શહીદ ભગતસિંહ ગ્રુપ, હરિઓમ ગૌશાળા ગ્રુપ અને ભગવાધારી ગ્રુપના સભ્યો દ્વારા હાથ ધરાઈ રહી છે. આ સેવા કાર્યનો સંપૂર્ણ ખર્ચ પીઆઈ જાડેજાએ વ્યક્તિગત રીતે કર્યો છે, જેને કારણે અકસ્માતોમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આ અંગે તમામ ગ્રુપના સભ્યો અને વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ શેખવા, બજરંગદળ અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ ચૌહાણ અને બજરંગ દળ મંત્રી હરીશભાઈ ધોળકીયાએ તેમને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો.