ચોમાસામાં ગ્રામીણ વિસ્તારના રસ્તાઓને સુંદર અને સુગમ બનાવવાના ઉદ્દેશ્યથી, લાઠી-બાબરાના લોકપ્રતિનિધિઓ જનકભાઈ તળાવીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાના સંયુક્ત પ્રયાસોને સફળતા મળી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બાબરા તાલુકાના ગામડાંઓના રસ્તાઓ માટે ૧૦ કરોડ ૨૦ લાખ રૂપિયાની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરાયેલી ભારપૂર્વક રજૂઆતના પરિણામે, ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કરોડ ૨૦ લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી. આમાંથી બાબરા તાલુકાના ગમાપીપળીયાથી મિયાખીજડીયા સુધીના ૭ કિલોમીટર લાંબા રસ્તા માટે ૨ કરોડ ૧૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ મંજૂરીથી બાબરા પંથકના ગ્રામીણ રસ્તાઓ વધુ સારા અને સુવિધાજનક બનશે. આ મંજૂરીથી ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. તેઓએ જનકભાઈ તળાવીયા અને ભરતભાઈ સુતરીયાની ગામડાંઓ પ્રત્યેની સંવેદનશીલતાની પ્રશંસા કરી છે.