બાબરા,તા.૦૪
બાબરા પ્રિન્સિપાલ સિવિલ જજની અદાલતે વીજચોરીના એક કેસમાં ગ્રાહકના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. પીજીવીસીએલ (PGVCL) સબ ડિવિઝન ચિતલના નાયબ ઈજનેર દ્વારા ઇંગોરાળા ગામના દીપકભાઈ લખમણભાઈ પરમાર સામે રૂ. ૭૭,૩૮૬.૧૨ ની વસૂલાત માટે દાવો (નં. ૪૭/૨૦૨૨) દાખલ કરાયો હતો.કેસની સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરી હતી. અદાલતે નોંધ્યું કે, જે સ્થળે રેઇડ કરવામાં આવી હતી તેની માલિકી કે પ્રતિવાદી સાથેનો સીધો સંબંધ સાબિત થાય તેવા કોઈ જ મજબૂત પુરાવા PGVCL રજૂ કરી શક્યું નથી.આમ, વાદી પક્ષ વીજચોરીનો આક્ષેપ નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ જતાં અદાલતે આ દાવો નામંજૂર કર્યો હતો અને પ્રતિવાદીના લાભમાં ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં પ્રતિવાદી તરફે વકીલ જી.કે. મહેતા રોકાયા હતા.







































